(એજન્સી) કોલકાતા, તા. ૧૮
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ૨૧ મેથી કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મમતા બેનરજીઓ સોમવારે જણાવ્યું હતું કે, કન્ટેનમેન્ટ ઝોન મોટા વિસ્તારો નહીં હોય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું કે, ત્રણ ભાગમાં ઝોનને વહેંચવામાં આવશે. સરકાર દુકાનો ખોલવા માટે ઓડ-ઇવન નિયમો લાગુ કરવાની યોજના ઘડી રહી છે. આજે જો એક નંબર ખુલે તો બીજા નંબરની દુકાન આવતીકાલે ખુલશે. તેમણે રાજ્ય સરકારના બાકી નીકળતા ૫૭,૦૦૦ કરોડ રૂપિયા આપવાનો ઇન્કાર કરનાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘તેના ભાગમાંથી અમને શું મળ્યું.’ તેમણે કહ્યું કે, આ મુદ્દે તેઓ વધુ ટિપ્પણી કરશે નહીં અને કહ્યું કે, તેઓ આ મુદ્દે પછી બોલશે.
મમતાએ કહ્યું કે, રોગચાળાને રોકવામાં વધુ લોકડાઉન અસરકારક રહેશે નહીં. આપણે ધ્યાન રાખવું જોઇએ કે, માત્ર લોકડાઉન જાહેર કરવું અને પછી કાંઇ ન કરવું એ બાબત કામ લાગશે નહીં. તેમણે ઉમેર્યું કે, પરપ્રાંતિય શ્રમિકોના મુદ્દે બેનરજીએ કહ્યું કે, કેન્દ્રએ કાંઇ નથી કર્યુંં. અમે તેમને કહ્યું કે અમે ટિકિટના નાણા આપીએ છીએ અને તમે કાંઇ કરો. પરંતુ તેઓ તેમ છતાં ગરીબ શ્રમિકો પાસેથી નાણા વસૂલી રહ્યા છે. જો પરપ્રાંતિય શ્રમિકો અન્ય રાજ્યોમાં તેમના કામના સ્થળે પાછા નહીં ફરે તો તેઓ ખુશ થશે. થોડો સમય લાગશે પણ તેઓ તેમને કામ આપશે. બંગાળ અને ઓરિસ્સાના દરિયા કાંઠે આવનારા અમ્ફાન વાવાઝોડા અંગે સિનિયર ઓફિસરની બેઠક બોલાવનારા ગૃહમંત્રી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ એવું છે કે કેવી રીતે સંઘીય માળખાને ખતમ કરવું. આ બેઠકની જાણ મને કે મુખ્ય સચિવને નથી. રાહત કેમ્પોમાં રહેતા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો મુદ્દો કાંઇ નથી. પ્રથમ પ્રાથમિકતા જીવન બચાવવાની હોવી જોઇએ.