(એજન્સી) કોલકાતા, તા.૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યુંં હતંુંં કે, તેમના રાજ્યના ૭૫ ટકા વિદ્યાર્થીઓ પહેલી સપ્ટેમ્બરે જીઈઈ મેઈનની પરીક્ષા આપી શકયા ન હતા. આ માટે તેમણે કેન્દ્ર સરકારના ધમંડને જવાબદાર ગણાવતાં જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં પણ માત્ર અડધા ઉમેદવારો જ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા આપી શકયા હતા. હાલના મહામારીના સમયમાં જેઈઈ અને નીટ યોજવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારનારા સાત મુખ્યમંત્રીઓમાંથી મમતા બેનરજી પણ એક છે. પરીક્ષાઓ મુલત્વી રાખવા માટે તેઓ બે વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે અન્ય કેટલીક અરજીઓ પણ કરવામાં આવી હતી પણ આ તમામ અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટએ પણ આ અંગેની અરજી ફગાવતા જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વિદ્યાર્થીઓનું આખું શૈક્ષણિક વર્ષ બગાડી શકાય નહીં. પહેલી સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી જેઈઈ મેઈનની પરીક્ષા યોજાનાર છે. જ્યારે નીટ યુજી ૨૦૨૦ ૧૩ સપ્ટેમ્બરથી યોજાનાર છે. મમતાએ જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ધણાં વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષા આપી શકયા નથી. જેથી અમે કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છે કે, તેઓ સુપ્રીમ કોર્ટને વિનંતી કરે કે, તે પોતાના અગાઉના ચુકાદા અંગે ફેર વિચારણા કરે. જેથી વિદ્યાર્થીઓને સહન કરવાનું ન આવે. મમતાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જેઈઈના ૪૬૫૨ ઉમેદવારોમાંથી માત્ર ૧૧૬૭ ઉમેદવારો જ પરીક્ષા આપી શકયા હતા. રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકયા ન હતા. આ માટે કોણ જવાબદાર ગણાશે તેવો સવાલ મમતાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અનેક લોકોની પરીક્ષા મુલત્વી રાખવાની માંગ છતાં કેન્દ્ર સરકાર આ પરીક્ષા યોજી રહી છે.