(એજન્સી) કોલકાતા, તા,૨૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રેલવે મંત્રાલયને ચક્રવાત અમ્ફાનને ધ્યાનમાં રાખીને ૨૬મી મે સુધી રાજ્યમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ન મોકલવા જણાવ્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવા સિંહાએ ૨૨મી મેના રોજ રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ૨૦-૨૧ મેના રોજ રાજ્યમાં સુપર ચક્રવાત અમ્ફનના લીધે રાજ્યને ભારે અસર થઈ છે, જેના કારણે માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે.
“જિલ્લા વહીવટીતંત્ર રાહત અને પુનર્વસન કાર્યમાં વ્યસ્ત હોવાથી, આગામી કેટલાક દિવસો માટે વિશેષ ટ્રેનો સાચવવી શક્ય નહીં બને, તેથી વિનંતી કરવામાં આવી છે કે, ૨૬મી મે સુધી કોઈ ટ્રેન પશ્ચિમ બંગાળ ન મોકલવામાં આવે.”
ચક્રવાત અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા ૮૬ લોકોનાં મોત નીપજ્યા છે. આ પ્રદેશમાં સામાન્ય જન જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હોવાથી અધિકારીઓ પરિસ્થિતિ સામાન્ય કરવા પ્રયાસો કરી રહ્યા છે.
જ્યારથી સ્થળાંતર કામદારોને એમના ઘરે જવા માટે ટ્રેનોની વ્યવસ્થા શરૂ કરાઈ છે, ત્યારથી પશ્ચિમ બંગાળમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મોકલવાની સંખ્યા સૌથી ઓછી રહી છે. હકીકતમાં, ગૃહપ્રધાન અમિત શાહે એક પત્રમાં આક્ષેપ કર્યો હતો કે, બંગાળ સરકાર નથી ઈચ્છતી કે, એમના રાજ્યના લોકો પાછા ફરે એ માટે ટ્રેનોને પરવાનગી આપતી નથી.
જો કે, પાછળથી નિર્ણય લેવામાં આવ્યો કે, આ ટ્રેનોને ચલાવવા માટે ગંતવ્ય રાજ્યની સંમતિ આવશ્યક નથી. ૧લી મેથી અત્યાર સુધીમાં ૨ હજાર શામિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે, જેમાં ૧લી મેથી અત્યાર સુધી ૩૧ લાખ પરપ્રાંતિય કામદારોને એમના રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ ૨૫ ટ્રેનો પહોંચી છે.