(એજન્સી) કોલકાતા, તા.૯
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે દુર્ગા પૂજા નહીં યોજવા અંગે અફવાઓનું બજાર ગરમ બન્યું છે. આ અફવાઓ અંગે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દુર્ગા પૂજા નહીં યોજવા અંગે જે જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને સાબિત કરવામાં આવે. જો તેની સાબિતી મળી જશે તો તેઓ, સાર્વજનિક રીતે પ્રજાના વચ્ચે જઈ કાન પકડી ૧૦૦ વખત ઊઠ-બેસ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, મમતાએ એક રાજ્કીય પક્ષ પર આરોપ લગાવ્યો છે કે, આ પાર્ટી અફવા ફેલાવી રહી કે, આ વર્ષે રાજ્યમાં દુર્ગા પૂજાની મંજૂરી નહીં અપાય. મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્ય સચિવાલયમાં પોલીસ દિવસની ઊજવણી કરવા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સવારથી હું દુર્ગા પૂજા અંગે અફવાઓ સાંભળી રહી છું કે, આ વખતે મમતા સરકાર દ્વારા પરવાનગી નહીં આપવામાં આવે. આ અફવાને સાબિત કરો અને જો આમ ન કરી શકો તો પોતાના કાન પકડો અને ઉઠ-બેસ કરો અને જો તમે આ વાત પુરવાર કરી દેશો તો હું જાહેરમાં મારા કાન પકડી ૧૦૦ વખત ઊઠ-બેસ કરીશ. હું પ્રજાને જવાબ આપવા બંધાયેલી છું. તેમણે જણાવ્યું હતું કે, એક રાજ્કીય પક્ષ દુર્ગા પૂજા અંગે અફવાઓ ફેલાવે છે. હકીકત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય કરવા કોઈ બેઠક જ યોજાઈ નથી. મમતાએ જણાવ્યું હતું કે, હાલ આપણે એક ગંભીર મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આ વર્ષે દુર્ગા પૂજા અંગે વાતચીત કરવા પૂજા આયોજકો સાથે બેઠક યોજવી છે.
Recent Comments