(એજન્સી) તા.૨૩
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે, કરાચી એક દિવસ ભારતનો ભાગ હશે. ભાજપના સીનિયર નેતાની આ ટિપ્પણી મુંબઈમાં એક દુકાનના નામને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે આવી છે. ક્લિપમાં શિવસેના નેતા નીતિન નંદગાંવકર મુંબઈમાં કરાચી સ્વીટ્‌સ નામની દુકાનના માલિકને શોપનું નામ બદલવાની વાત કરતા જોવા મળ્યા હતા. જો કે, શિવસેનાએ નંદગાંવકરના નિવેદનથી અંતર જાળવ્યું હતું. પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને ફાયર બ્રાંડ નેતા સંજય રાઉતે કહ્યું હતું, નંદગાંવકરનું નિવેદન પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ નથી. દુકાનના નામ પર વિવાદ પર સવાલ પૂછવામાં આવતા ૨૧ નવેમ્બરે ફડનવીસે પત્રકારોને કહ્યું હતું અમે અખંડ ભારતમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે એમ માનીને ચાલીએ છીએ કે કરાચી એક દિવસ ભારતનો ભાગ હશે. ભાજપના નેતાની આ ટિપ્પણી પર સંજય રાઉતે કહ્યું, “પહેલાં કાશ્મીર લઈ આવો, જે કાશ્મીરે અધિકૃત કરી રાખ્યો છે, અમે કરાચી પછી જતાં રહીશું.” ફડનવીસના નિવેદન પર મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું કે, જે રીતે ભાજપના નેતાએ કહ્યું કે, કરાચી એક દિવસ ભારતનો ભાગ હશે. અમે તો એમ કહેતા આવ્યા છીએ કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશે એક થઈ જવું જોઈએ. જો બર્લિનની દીવાર તોડી શકાય છે તો પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સાથે કેમ નથી આવી શકતા ? જો ભાજપના આ ત્રણેય દેશોનો વિલય કરી એક દેશ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે તો અમે તેમના આ પગલાનું સ્વાગત કરીશું.