(એજન્સી) તહેરાન, તા.પ
ઈરાને અમેરિકા અને યુરોપ સામે વાતચીત માટે એક મોટી શરત રજૂ કરી છે. ઈરાની સેનાના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું કે, ઈરાન ત્યાં સુધી પોતાના મિસાઈલ કાર્યક્રમો વિશે વાતચીત નહીં કરે જ્યાં સુધી યુરોપ અને અમેરિકા તેમના પરમાણુ હથિયારો અને મિસાઈલોને નષ્ટ નહીં કરી નાખે. રિપોર્ટસ અનુસાર ઈરાનની સેનાઓના ઉપસેના પ્રમુખ બ્રિગેડિયર જનરલ મસૂદ જાજાયેરીએ શનિવારે કહ્યું કે, અમેરિકા જે હતાશા સાથે ઈરાનની પરમાણુ ક્ષમતાઓ પર પ્રતિબંધ લગાવવાની વાત કરે છે તે સ્વપ્ન ક્યારેય પૂરું થવાનું નથી. તેમણે કહ્યું કે, ઈરાનની પરમાણુ શક્તિને લઈને અમેરિકાની ચિંતા ક્ષેત્રમાં તેની નિરાશા અને હારથી ઉપજેલ છે. તે ઉપરાંત ઈરાનના સંરક્ષણ શક્તિના વિકાસથી અમેરિકા નબળી સ્થિતિમાં આવી ગયું છે. તેમણે અમેરિકાને ક્ષેત્ર છોડી જવાનો આગ્રહ કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઈરાનના મિસાઈલ કાર્યક્રમ માટે વાર્તા પહેલા અમારી એક પૂર્વ શરત છે કે, અમેરિકા અને યુરોપ તેમના પરમાણુ હથિયારો અને લાંબા અંતરની મિસાઈલો નષ્ટ કરી દે. અમેરિકાના દબાણમાં યુરોપે મિસાઈલ કાર્યક્રમો વિશે ફરીવાર ચર્ચા માટે ઈરાન પર દબાણ વધાર્યુ છે. ઈરાને ફરીવાર કહી દીધું છે કે, તેમના સૈન્ય દળ સંરક્ષણ ક્ષમતાઓને સતત વધારવાનું જારી રાખશે. જ્યારે ઈરાનના વિદેશમંત્રીએ પણ કહ્યું કે, ઈરાન તેના ઘરેલુ મામલા અને સંરક્ષણ નીતિઓ વિશેષ કરીને મિસાઈલ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપને સાંખી નહીં લે. ઉલ્લેખનીય છે કે, ઈરાનના મિસાઈલ કાર્યક્રમને લઈને અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે અને આ જ કારણે બંને દેશના નેતાઓ વચ્ચે તાજેતરમાં દિવસોમાં આકરી નિવેદનબાજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેસીપીઓએ કરારને રદ કરવાની ધમકી પણ આપી હતી. યુરોપિયન સરકારોએ ટ્રમ્પને ખુશ કરવા માટે અને જેસીપીઓએ કરાર જાળવી રાખવા અને ઈરાનના મિસાઈલ કાર્યક્રમો પર વધતી જતી ચિંતા વ્યક્ત કરવા માટે દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે. ફ્રાન્સના વિદેશમંત્રી જીન યવેલસ લે ડ્રિયન જે સોમવાથી ઈરાનની યાત્રાએ આવ્યા છે અને તેમણે કહ્યું કે, ગત મહિને જ મિસાઈલ કાર્યક્રમ અને ક્ષેત્રીય સંઘર્ષોમાં સામેલ થવાની જરૂરિયાતને સંબોધિત કરવી જોઈએ જો ઈરાન રાષ્ટ્રના પરિવારોમાં પાછો ફરવા માંગે છે.