(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
ગયા અઠવાડિયે યુપીના હાથરસ તરફ જઈ રહેલ કેરળના પત્રકારની યુપી પોલીસે ધરપકડ કરી હતી અને એમની સામે યુએપીએની કલમો લગાવી હતી. એ પત્રકારે સુપ્રીમ કોર્ટેમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે પત્રકારને કહ્યું કે તેઓ પહેલા અલાહાબાદ હાઇકોર્ટમાં રજૂઆત કરે અને જો એ જામીન નહીં આપે તો પાછા અહી આવી શકે છે.
સુપ્રીમ કોર્ટની સીજેઆઈની આગેવાની હેઠળ ત્રણ જજોની બેન્ચે અરજી સાંભળી હતી એમણે કહ્યું કે અમે કેસ પડતર રાખીએ છીએ અને સુનાવણી ચાર અઠવાડિયા માટે મોકૂફ રાખીએ છીએ, એ દરમિયાન અરજદાર હાઇકોર્ટ જઈ શકે છે. અરજદાર કેરલા યુનિયન ઓફ જર્નાલિસ્ટ તરફે રજૂઆત કરતા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે પોલીસે પત્રકાર સિદ્દીક કપ્પન સામે યુએપીએ લાગુ કર્યું છે એ માટે હાઇકોર્ટ જામીન નહીં આપશે. જેથી મહિનાઓ સુધી પત્રકારને જેલમાં રહેવું પડશે. સીજેઆઈએ કહ્યું કે તમે અલાહાબાદ હાઇકોર્ટમાં જાઓ, તેઓ વધુ સમય નહીં લેશે. તમે યોગ્ય કોર્ટમાં જાઓ. જો તેઓ પ્રતિભાવ નહીં આપે તો અહી પાછા આવજો અમે ફક્ત ચાર અઠવાડિયા માટે સુનાવણી મોકૂફ રાખીએ છીએ. અરજીમાં રજૂઆત કરી હતી કે તેઓ નિર્દોષ છે અને એમની ધરપકડ ગેરકાયદેસર કરાઈ છે. આરોપીને સરકાર કોર્ટમાં રજૂ કરે. પત્રકારને પોતાની ફરજ બજાવવાથી રોકવામાં આવ્યું હતું. વધુમાં ધરપકડ દરમિયાન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું ભંગ કરાયું છે. યુપી સરકાર કપ્પનના કુટુંબીજનોને ધરપકડના કારણો અને સ્થળની માહિતી આપવા નિષ્ફળ રહી છે. સિદ્દીક કપ્પન હાથરસ જઈ રહ્યા હતા. જ્યાં થોડા દિવસો પહેલાં બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. તેઓ કેસનું રિપોર્ટિંગ કરવા અને કુટુંબીજનો સાથે મળવા હાથરસ જઈ રહ્યા હતા. હાથરસની ઘટનાના લીધે દેશભરમાં હોબાળો મચ્યો છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એમને અમુક શંકાસ્પદ લોકો વિશે માહિતી મળી હતી કે તેઓ દિલ્હીથી હાથરસ જઈ રહ્યા છે. જેથી અમે વોચ રાખીને મથુરા પાસે અટકાવ્યા હતા અને ચાર વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જેમાં અતીઉર-રહેમાન, મસુદ અહમદ, આલમ અને સિદ્દીક કપ્પન પણ છે. નોંધનીય છે કે આ કેસમાં યુપી પોલીસની ખૂબ જ આલોચના થઇ છે.
Recent Comments