નવી દિલ્હી, તા.ર૩
હિમા દાસે યુરોપમાં થયેલી ર૦૦ મીટરની સ્પર્ધામાં સતત ચાર સુવર્ણચંદ્રક જીતી કમાલ કરી દીધો છે. ત્યારબાદથી તો તેના ઓલિમ્પિક મેડલની આશાના સ્વપ્ન જોવા લાગ્યા છે. પણ શું ખરેખર એવું છે શું ભારતીય એથ્લેટીક્સ એટલી ઊંચાઈએ છે શું હિમા આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ટ્રેક એન્ડ ફીલ્ડમાં પ્રથમ મેડલ અપાવી ઈતિહાસ રચવા પૂરી રીતે તૈયાર છે.
જ્યાં સુધી હિમાની વાત છે તો તેણે પોલેન્ડમાં ર૩.૬પ અને ર૩.૯૭ સેકન્ડ જ્યારે એક ગણરાજ્યમાં ર૩.૪૩ અને ર૩.રપ સેકન્ડના સમય સાથે ચાર રેસ જીતી. આ ચારેય રેસમાં તેનો જે સર્વશ્રેષ્ઠ સમય હતો તેણે તેને ર૦૧૯ની વર્લ્ડ રેન્કિંગમાં ૧ર૪મા સ્થાને લાવી ઊભી કરી દીધી પણ ઓલિમ્પિકના માપદંડ મુજબ હિમાનું આ પ્રદર્શન તેને ટોપટેનમાં લાવવાથી પણ ઘણું દૂર છે. એમાં કોઈ શંકા નથી. સુવર્ણચંદ્રક ખાસ છે પણ એ ના ભૂલવું જોઈએ કે યુનિ. ગેમ્સમાં ભાગ લેનાર રનરોનું મુખ્ય લક્ષ્યાંક આ વર્ષ દોહામાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ અને આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરવાનું છે. આ દૃષ્ટિએ રેસના ટાઈમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડથી ઘણી દૂર છે. ત્યાં સુધી કે દોહા વર્લ્ડ ચેમ્પિયનશીપના કંવોલિફાઈંગ માર્ક સુધી પણ પહોંચી શકી નથી. જે ર૦૦ મીટરની રેસ માટે ર૩.૦ર સેકન્ડ છે.