વડોદરા,તા.૯

ભાયલીના યુવકે બે સાઈટ પર નોકરી માટે બાયોડેટા મુકયા બાદ ભેજાબાજોએ યુવકને ફોન કરી ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપીને ૧.૮ કરોડ પડાવ્યા હતા. છ મહિના બાદ જિલ્લા એલસીબીએ છેતરપિંડી આચરનાર આંતરરાજય ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ૭ જણને ઝડપી ૧૯.૬પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં આ  ટોળકીએ પ રાજયોમાં ૩ કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જયારે આજે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, ભાયલીના નાગેશ રૂગનાથ ઘુગરધરે નામના કન્સલ્ટીંગ ઈલેકટ્રીકલ એન્જિનિયર તરીકે ઘરેથી વ્યવસાય કરતા  યુવકને નોકરીની જરૂર હોવાથી લિન્કડઈન પર બાયોડેટા રજિસ્ટર કરાવ્યો હતો, ત્યાર બાદ રોહન માને નામના  શખ્સે ફોન કરી ફ્રેન્ચાઈઝી આપવાના બહાને યુવક પાસેથી ૧.૮ કરોડ ભરાવ્યા હતા, યુવકે વધુ પૈસા ભરવાની ના પાડતા  ભરેલા પૈસા પાછા ના આપવાની  ધમકી આપી હતી. જિલ્લા એલસીબીના પીઆઈ ડી.બી. વાળા અને પીએસઆઈ એમ.એમ. રાઠોડની ટીમે ઠગાઈ કરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર સેલ્વા નાડર, રમાકાંત પડોહી વિશ્વકર્મા, રાકેશ જાદવ, સંદીપ જમીલ દુબર, નિલોફર દુબર અને સજજાદ બેગને ઝડપી લીધા હતા. ટોળકીએ પ રાજયોમાં ૩ કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૧૮ સીમકાર્ડ, ર૮ એટીએમ, કાર્ડ પ પાસબુક તથા ૮ ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા  હતા અને વધુ ૩ની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, ટોળકી વબેસાઈટમાં બાયોડેટા મુકનારા લોકોને ઠગતી હતી.