(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરતની નગરસેવિકા મીના રાઠોડના લાંચ પ્રકરણમાં એસીબીએ નગરસેવિકા તથા તેમના પતિના બેંક ખાતાઓની વિગતો એકત્રીત કરવાની કામગીરી હાથ ધરી છે. જુદી જુદી બેંકોને એસીબીએ નોટીસો મોકલી આ અંગેની વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પરવત-ગોડાદરા વોર્ડ નં.૨૫ની ભાજપની મહિલા નગરસેવિકા મીના રાઠોડ અને તેમનો પતિ દિનેશ રાઠોડ ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલર તથા ભવિષ્યમાં પણ ડીમોલીશન નહીં થાય તેવી ખાત્રી આપીને મિલકતદાર પાસેથી રૂ.૫ લાખની લાંચની માંગણી કરતા એસીબીના અધિકારીઓએ દંપતિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૨૬મી સુધીના રિમાંડ મેળવ્યા હતા. રિમાંડ દરમ્યાન તેઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ કરનારા તપાસનીશ અધિકારી વીએ દેસાઈએ એસબીઆઈ બેંકના ખાતેદાર મીના રાઠોડના બેંક લોકરોની પણ તપાસ શરૂ કરી હતી. જાકે રૂ.૨ લાખની જ્વેલરી મળી આવતા આ તમામ જ્વેલરી સીલ કરવામાં આવી હતી. આ સાથે આરોપી દંપતિના અન્ય બેંકમાં ખાતા અને લોકર હોય તો એસીબીને જાણ કરવાની પણ બેંક અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.