(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૮
પાટણ જિલ્લાની ચાણસ્મા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના પાંચ સભ્યોને સસ્પેન્ડ કરવાના વિકાસ કમિશનરના હુકમ સામે હાઈકોર્ટે ૪ સભ્યોના સભ્ય પદ ચાલુ રાખવાનો આદેશ કરી કેસ ફરીથી હાથ ધરવા આદેશ કર્યો છે. ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખ માટેની બીજી ટર્મ માટેની ચૂંટણી તા.ર૦/૬/૧૮ના રોજ યોજાયેલ, ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના જ કેટલાક સભ્યોએ નારાજગી સાથે ઉગ્ર રજૂઆત કરેલ, જેને પગલે પાર્ટી દ્વારા કોકિલાબેન કનૈયાલાલ પટેલ (ભણવા-૧૧), કૈલાસબા ભરતસિંહ સોલંકી (કંબોઈ-૭), ધીરાજી પથુજી ચાવડા (વડાવલી-૧૭), કૈલેશભાઈ હરીભાઈ પટેલ (રણાસણ-૧૪), કલાવતીબેન ગોપાલજી ઠાકોર (જીતોડા-૬)ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલ. નામોનિર્દિષ્ટના તા.ર૯/પ/૧૯ના હુકમ સામે અન્યાયની લાગણી અનુભવતા કુલ પાંચ સદસ્યો પૈકી ૪ સદસ્યોએ હાઈકોર્ટ અમદાવાદમાં હુકમ સામે મનાઈ હુકમ મેળવવા માટે દાદ માંગેલ જેની સામે વર્તમાન પ્રમુખ દ્વારા કેબિએટ પણ દાખલ કરેલ. આ કેસની સુનાવણી તા.૮/૭/૧૯ના રોજ હાથ ધરતા હાઈકોર્ટ દ્વારા તમામ ચાર સભ્યોના સભ્યપદ રદ્દ કરવાના વિકાસ કમિશનરના હુકમ સામે મનાઈ ફરમાવી કેસ ફરીથી હાથ ધરવા આદેશ કર્યો હોઈ હાલ પાંચ પૈકીના ચાર સભ્યો કોકિલાબેન પટેલ, કૈલાસબા સોલંકી, ધીરાજી ચાવડા, કૈલેશભાઈ પટેલને ડેલિગેટ તરીકે ચાલુ રાખવા હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખના વિરોધી જૂથના પાંચેય સભ્યોની જગ્યા ભરવા માટે આજે સાધારણ સભા પણ રાખેલ હોઈ તા.પં. પ્રમુખ સામે નવી મૂંઝવણ આવેલ છે, તેમજ સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન રાજેશ્વરી અરવિંદભાઈ ચાવડા સામે અવિશ્વાસ દરખાસ્ત પરની મીટિંગ પણ આજે તા.૯/૮/૧૯ના રોજ બોલાવેલ છે.