અમદાવાદ, તા. ૧૩
શહેરના પાંજરાપોળ ચાર રસ્તા નજીક મંગળવારે ડમ્પર ચાલકે એકટીવાસવાર દંપતીને ટક્કર મારતા મહિલાનું મોત નીપજાવ્યું હતું. આ ચકચારભર્યા અકસ્માત કેસની પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, મહિલાને કચડનાર ડમ્પર વાસ્તવમાં બીજા વાહનની પરમીટ પર ફરતું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પરની પરમીટ અંગેની તપાસ કરતા શિવશક્તિ ટ્રાન્સપોર્ટના ડમ્પરને શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશ અંગેનું પરમીટ ટ્રાફિક પોલીસ પાસેથી લેવાઇ જ ન હતી. એટલું જ નહી, અન્ય ડમ્પરની પરમીટ સાથે રાખી અકસ્માત સર્જનાર ડમ્પરને શહેરમાં ફેરવવામાં આવતું હતું. એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા શિવશકિત ટ્રાન્સપોર્ટ વિરૂદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે આવા ભારે વાહનોની પરમીટ અંગે તપાસ જ નહી કરી ગંભીર બેદરકારી પણ દાખવી હોવાનું સામે આવતાં હવે શહેરમાં માંતેલા સાંઢની જેમ દોડતા ટ્રક, ડમ્પર, લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઇ નગરજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા હવે શહેરના માર્ગો પર આડેધડ પાર્કિંગ કરાતી અને ફુલસ્પીડમાં બસ હંકારાતી લકઝરી બસો પર કયારે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા તવાઇ બોલાવાશે એવા ગંભીર સવાલો ઉઠાવાઇ રહ્યા છે. લકઝરી બસોના ચાલકો દારૂ પીધેલી હાલતમાં હોવાના અને લકઝરી બસની આડમાં દારૂ-જુગારની ગુનાહિત પ્રવૃત્તિના અનેક કિસ્સાઓ અગાઉ પણ શહેરમાં સામે આવ્યા હોઇ હવે લકઝરી બસો સામે પણ આકરી કાર્યવાહી કરવા ચોતરફથી ઉગ્ર માંગણી ઉઠી રહી છે. ટ્રાફિક પોલીસે ધરપકડ કરાયેલા આરોપી ડ્રાઇવર રામબારાઇ ચૌહાણની ધરપકડ બાદ કરેલી તપાસમાં થયેલા ચોંકાવનારા ઘટ્‌સ્ફોટ બાદ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ સામે છેતરપિંડી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.