(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીના બોઇલરમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, આ આગમાં એક કામદારનું મોત નિપજ્યું હતું. જો કે, બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.ફાયર સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીના બોઇલરમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હતા. વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીના માલિક કૌશલભાઇ અને બંસીભાઇ છે અને ફેક્ટરીમાં કેમિકલના રો-મટિરિયલમાંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતું હતું અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધૂમાડાના ગોટેટોળે નીકળ્યા હતા જેને પગલે આસપાસના લોકોના ટોળે-ટોળા એકત્ર થઇ ગયા હતા.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી. અંતે બે કલાકની ભારે જહેમતને અંતે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળ્યો હતો.
ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અમનસિંહ કેવટે ફેક્ટરીમાં આગ લાગતા ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો જેની સાથે કામ કરી રહેલા અન્ય બે મિત્રો પપ્પુ અને આમોદ આગ લાગ્યા બાદ ગુમ થયા છે. હજી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. જ્યારે ચોથા માળે કામ કરી રહેલો રાજુ પાસવાન(૪૦) ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.વધુમાં જાણવા મળ્યા મુજબ કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ (૨૨) (રહે.ગણેશનગર, પાંડેસરા, સુરત, મૂળ, ઉત્તરપ્રદેશ) ૩ મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં જ તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતોે જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં ૪૦થી ૫૦ કામદારો કામ કરી રહ્યા હતા જેથી હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા હતી જેને પગલે ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આવી હતી. જો કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ કોઇ ફસાયું ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, કેમિકલ સળગવાને કારણે એક પોલીસ અધિકારી અને ૪થી ૫ પત્રકારોને આંખોમાં બળતરા થઇ હતી.
ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલ હોવા છતાં ફાયરની NOC જ લેવાય નહીં
સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સંદર્ભે ફાયરની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફેક્ટરીમાં નાઈટ્રિક એસિડ સ્પ્રીંડ થવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી. ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનો પરંતુ એનઓસી લેવામાં આવી નથી ફાયરની એનઓસી ના હોવાથી અધિકારીઓ સાથે ચર્ચા કરીને કાર્યવાહી કરવામાં આવશે અને ફેક્ટરીમાં જોખમકારક કેમિકલ એસિડ પણ હતો. જો કે, સમય સૂચકતાને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.