સુરત, તા.૬
સુરતમાં બીઆરટીએસ રૂટમાં એસટીની વોલ્વો બસની અડફેટે બાળકના મોતના કેસમાં ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતા હીરાબેન નેતકર કચરો વીણી ગુજરાન ચલાવે છે. પતિ કેન્સરની બીમારીથી પીડાતા હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય તેમનો ૯ વર્ષનો પુત્ર રાહુલ મહારાષ્ટ્રના પારોડા ખાતે દાદી પાસે રહેતો હતો. પંદરેક દિવસ પહેલા જ રાહુલ સુરત આવ્યો હતો. ગુરુવારે હીરાબેન ઘરેથી કચરૂ વિણવા માટે નીકળ્યા હતા. થોડો સમય બાદ રાહુલ પણ કચરૂ વિણવા માટે નીકળી પડ્‌યો હતો. પાંડેસરા ભેદવાડ પાસે તે બીઆરટીએસનો રૂટ ઓળંગી રસ્તો ક્રોસ કરવા જતો હતો. ત્યારે પુરપાટ ઝડપે આવતી એસટીની વોલ્વો બસના ડ્રાઇવરે તેને અડફેટમા લઈ લીધો હતો અને કચડી નાંખ્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા રાહુલનુ ઘટના સ્થળે જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ ત્યાંજ છોડીને નાસી છૂટ્યો હતો. દરમિયાન આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને રોષે ભરાયા હતા. લોકો બસ પર રોષ પોતાનો ગુસ્સો ઠાલવે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને સમજાવી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે એસટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ધરપકડ કરી વોલ્વો બસ પણ કબજે કરી હતી.