(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
પાંડેસરાના સૃષ્ટિ એપાર્ટમેન્ટ નજીક દબાણ હટાવવા જનાર એસએમસીના સ્ટાફે સ્થાનિક રહેવાસી યુવાનને માર મારતા મામલો પાંડેસરા પોલીસ મથકમાં પહોંચ્યો છે અને માર મારનાર બે કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાંડેસરા-ભેસ્તાન રોડ સ્થિત સાંઇ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય મુકેશ વિદ્યાસાગર મિશ્રા ઘર નજીક સ્વપ્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટ પાસેથી ગત સાંજે સાત વાગ્યાના અરસામાં પસાર થઇ રહ્યો હતો, તે દરમ્યાન એસએમસીના રાજેન્દ્ર અને ઠાકુર બે કર્મચારી દબાણ હટાવવા માટે આવ્યા હતા. જેથી સ્વપ્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટ પાસે લારીવાળાઓને ભાગી જવા માટે મુકેશ કહ્યું હતું. જેથી રાજેન્દ્ર અને ઠાકુર ઉશ્કેરાયા હતા અને મુકેશને ગાળો ભાંડી હતી અને લારી કેમ ભગાવી દીધી એમ કહી માર માર્યો હતો. ત્યારબાદ બંને કર્મચારીઓ ટોળું એકઠું થઇ જતા ત્યાંથી ચાલ્યા ગયા હતા. એકત્ર થયેલા ટોળાએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, સ્થાનિક વિસ્તારના ગેરકાયદે બાંધકામ તોડવાને બદલે લારી પર ધંધો કરી ગુજરાન ચલાવતા લોકોને રંજાડી રહ્યા છે. બીજી તરફ પોતાને માર મારનાર રાજેન્દ્ર અને ઠાકુર વિરૂદ્ધ મુકેશ મિશ્રાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બે કર્મચારીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
પાંડેસરામાં દબાણ ખસેડવાની તકરારમાં યુવાનને મારનાર પાલિકાના બે કર્મચારીઓ ભેરવાયા

Recent Comments