(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરના પાંડેસરા વિસ્તારની દીપક નગર સોસાયટીમાં ઘરની સાફ-સફાઈ અને જમવાની થાળી ધોવા બાબતે બે રૂમપાર્ટનરો વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતા એકે બીજાની હત્યા કરી નાસી છૂટયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરાના તેરે નામ રોડ સ્થિત દીપક નગર સોસાયટીમાં ભાડેથી રહેતા બ્રિજેશ ઉર્ફે છાગા રાજપાલસીંગ રાજપુતે પોલીસને જાણ કરી હતી કે છેલ્લા એક-દોઢ મહિનાથી તેની સાથે રહેતા ૨૩ વર્ષિય સુમીત ઉર્ફે પંજાબીની હત્યા થઇ છે. જેથી પાંડેસરા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં સાતેક કલાક અગાઉ લોખંડના પાઇપ અને ફીરકી વડે ઈસમને માથા, પેટ અને ગળાના ભાગે ઇજા પહોંચાડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવાની સાથે બ્રિજેશ ઉર્ફે છાંગાની પુછપરછ કરી હતી.
જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, દોઢ મહિના અગાઉ સુમીત ઉર્ફે પંજાબી તેમની સાથે રહેવા માટે આવ્યો હતો અને જે છુટક મજૂરી કામ કરતો હતો. જયારે અભિષેક પારસ યાદવ (રહે. મણીનગર, પાંડેસરા) ત્રણ દિવસ અગાઉ પરિજનો સાથે ઝઘડો થતાં ઘર છોડીને અહિં રહેવા માટે આવ્યો હતો. આ દરમ્યાન અભિષેક ઘરમાં સાફ-સફાઇ રાખતો ન્હોતો અને જમવાની થાળી પણ ધોતો ન્હોતો. જેથી સુમીતે ઠપકો આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અભિષેકે સુમીતને મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ અને ફીરકી વડે હુમલો કરી હત્યા કર્યાની કબુલાત કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી અભિષેક યાદવની ધરપક્ડ કરી છે.