(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૦
કોરોના વાયરસના કારણે હાલ લોકડાઉનની પરિસ્થીતી ચાલી રહી છે તેવા સમયે લોકો ઘરની બહાર વગર કારણે નિકળી રહ્ના છે. જેને લઇને પોલીસ દ્વારા લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહીની સાથે પકડાતા લોકોને સજાના ભાગરૂપે માર મારતા હોવાના અનેક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ ચુક્યા છે. પરંતુ પોલીસ પણ એટલી બેરહેમી બની ચુકી છે કે લોકડાઉનમાં બહાર નિકળતા બાળકોને પણ છોડતી નથી. આવો જ એક વિડીયો પાંડેસરા દક્ષેર નગર મમતા મંડપ પાસેનો સામે આવ્યો છે. એક પોલીસકર્મી માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધીને એક ૧૧ થી ૧૨ વર્ષના બાળકને પકડી લે છે અને ત્યારબાદ તેની પાસે ઉઠક બેઠક કરાવી દંડા વડે ઢોર માર મારતો જાવા મળે છે. બાળકે આજીજી કરવા છતાં તેને ઢોર માર મારે છે. અને છેવટે બાળકને ભગાડી છુટ્ટો દંડો મારતો પણ વિડીયોમાં નજરે ચઢે છે. આવાં પોલીસકર્મી સામે ચોમેરથી ફિટકાર વરસી રહી છે. અને માસુમ બાળકને લોકડાઉનની ખબર નથી ત્યાં તો પોલીસ પોતાની વર્દીનો રૌફ જમાવી બાળકને માર મારી રહી છે. આ પ્રકારનું વર્તન કરનાર ક્રુર પોલીસ જવાનને સસ્પેન્ડ કરવા અમુક સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
બીજી તરફ સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઈન્સ પોલિસ સ્ટેશનના સમગ્ર વિસ્તાર અને લિંબાયત પોલીસ સ્ટેશનની કમરૂનગર પોલીસ ચોકીના સમગ્ર વિસ્તારમાં કર્ફ્યું અમલી છે. ત્યારે લિંબાયતના કમરૂનગર ખાતે કર્ફ્યુ ભંગ કરાનારને જવાનો દ્વારા આકરી સજા આપવામાં આવી હતી. બે યુવાનોને રોડ પર ગબડાવી લાઠીઓ ફટકારી હતી. હાલ તો આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.