(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
પાંડેસરાના વડોદગામ નજીક આવેલ પાલિકાની ગટરની કુંડીમાંથી જુલાઈ મહિનામાં અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશ મામલે પોલીસે પીએમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પાડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વડોદગામ પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરની સામે આવેલ ગટરની કુંડીમાંથી ગત તારીખ ૧૬મી જુલાઈના રોજ અજાણ્યાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા સ્થળ પર પહોચી લાશની ગટરની કુંડીમાંથી બહાર કાઢી પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં કરાવ્યું હતું અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએમ રિપોર્ટમાં અજાણ્યાની માથાના ભાગે ઇજા પહોચાડી હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવતા પીએસઆઈ કુલદીપકુમાર ડાહ્નાભાઈ પટેલ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.