(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
પાંડેસરા બાલાજીનગરમાં ગઈકાલે રાત્રે ધૂળેટી રમવા બાબતે પડોશી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પોલીસ દ્વારા યાદવ પિતા-પુત્રને રાત્રે ઉંચકી લાવ્યા બાદ સવારે પોલીસ સ્ટેશનના લોકઅપમાં પુત્રને શ્વાસમાં તકલીફ થતાં તબિયત લથડતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેને મરણ પામેલ જાહેર કર્યો હતો. આરોપીનું મોત નિપજતા પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પાંડેસરા બાલાજીનગરમાં રહેતા વિમલ ત્રિભોવન યાદવનો ગઈકાલે સાંજે ધૂળેટી રમવા બાબતે તેની બાજુમાં રહેતા રાકેશ રાધેશ્યામ સિંગ સાથે ઝઘડો થયો હતો. જે અંગે પોલીસ કંટ્રોલમાં જાણ થતાં પીસીઆર વિમલ, તેના પિતા ત્રિભોવન અને ભાઈ વિનયને લઈ ગઈ હતી અને તેમની સામે અટકાયતી પગલા લઈ લોકઅપમાં પૂરી દીધા હતા. દરમિયાન વિમલને શ્વાસની બિમારી હોય અને સવારે પણ શ્વાસની તકલીફ ઉપડતા પોલીસ દ્વારા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં વિમલને મરણ પામેલ જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વધુમાં વિમલ યાદવનું મોતનું સાચુ કારણ જાણવા માટે પેનલ પીએમ કરવામાં આવ્યું છે. મૃતક વિમલના ભાઈ અને પિતાએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિમલને તમાચા અને ઢીકા મુક્કીનો મારમારવામાં આવ્યો હતો. જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું કે, સમગ્ર બાબતે પેનલ પી.એમ.ના રિપોર્ટ બાદ તલસ્પર્શી તપાસ થશે અને પોલીસ સ્ટેશનમાં કોઈની બેદરકારી સામે આવશે તો ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.