નવી દિલ્હી,તા.૩૧
હાલ આખી દુનિયા મહામારી કોરોનાથી ઝઝૂમી રહી છે. કોરોનાના કારણે દુનિયાભરની રમત પ્રતિયોગિતાઓ રદ કરવામાં આવી છે. ત્યારે ક્રિકેટ પર સંપૂર્ણ રીતે ઠપ્પ છે. કોરોના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી છે. આ પરિસ્થિતિઓ વચ્ચે પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ હફીઝે જણાવ્યું કે, ઓક્ટોબરમાં થનારી આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ બાદ તે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. તે ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. રિપોર્ટ મુજબ હફીઝે કહ્યું કે, તે ટી૨૦ વર્લ્ડ કપમાં રમવા અને પોતાની ટીમ માટે સારૂં પ્રદર્શન કરવા ઈચ્છે છે. આ સાથે તેને ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની વાત પણ કહી હતી. આપણે જણાવી દઈએ કે આ પહેલા હફીઝે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો અને હાલ તે ટી૨૦ અને વન ડે ફોર્મેટમાં રમે છે. હફીઝની કેપ્ટનશિપ હેઠળ પાકિસતાને ૨૯માંથી ૧૭ ટી૨૦ મેચ જીત્યા છે અને પાકિસ્તાનની ટીમ નંબર ૨ની રેંકિંગ પર પહોંચી હતી. તે ટી૨૦ ક્રિકેટમાં ૧૦૦૦ રન અને ૪૦ વિકેટ લેનાર પહેલો ખેલાડી હતો. આ સાથે પાકિસ્તાનના કેપ્ટન તરીકે સતત ૩ ટી૨૦માં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. હફીઝને ક્રિકેટ જગતમાં ‘પ્રોફેસર’ના નામથી પણ ઓળખવામાં આવે છે.