(એજન્સી)                              તા.૯

પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નઁ) ગુલઝાર અહેમદે દિવાળીના અવસરે ખૈબર-પખ્તુનખ્વા (દ્ભઁ)ના કરકમાં પુનઃનિર્મિત શ્રી પરમ હંસજી મહારાજ મંદિરનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને આ ખાસ પ્રસંગે સમુદાયનું અભિવાદન કર્યું હતું.  ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, સ્થાનિક મૌલવી અને અન્યોની આગેવાની હેઠળ એક ટોળાએ આ મંદિર પર હુમલો કર્યો હતો અને તેને તોડી પાડ્યું હતું. સોમવારે ઉદ્‌ઘાટન સમારોહને સંબોધતા જસ્ટિસ ગુલઝારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે હંમેશા લઘુમતીઓના અધિકારોની સુરક્ષા માટે પગલાં લીધાં છે અને તે ભવિષ્યમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે બંધારણ મુજબ, હિંદુ સમુદાયને પણ અન્ય ધર્મના લોકો જેવા જ અધિકારો છે.  ઝ્રત્નઁ એ અવલોકન કર્યું કે દરેક વ્યક્તિ તેમના પવિત્ર સ્થાનોને પ્રેમ કરે છે અને કોઈને કોઈના ધાર્મિક સ્થાનને નુકસાન પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ લઘુમતીઓને તેમની ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણની ખાતરી આપે છે અને લઘુમતીઓને રક્ષણ પૂરૂં પાડવું એ બંધારણ હેઠળની ફરજ ગણે છે. આ પ્રસંગે બોલતા, પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના પેટ્રોન-ઈન-ચીફ અને પીટીઆઈ નેતા રમેશ કુમારે કહ્યું હતું કે તેઓ કરક ઘટનાની સમયસર નોંધ લેવા બદલ મુખ્ય ન્યાયાધીશના આભારી છે. મંદિરોની જાળવણી એ ઈવેક્યુ પ્રોપર્ટી ટ્રસ્ટ બોર્ડની પ્રાથમિક જવાબદારી છે. કુમારે આગળ કહ્યું કે જો પાકિસ્તાનમાં અન્ય ચાર ઐતિહાસિક મંદિરો ફરી ખોલવામાં આવે તો હજારો હિંદુઓ તેમની મુલાકાત લઈ શકશે અને તેનાથી વિશ્વમાં દેશની છબી સુધરશે. તેમણે લઘુમતીઓ સામે ઉભી થયેલી નકારાત્મક છાપને દૂર કરવા માટે એક પરિષદ યોજવાની પણ જાહેરાત કરી હતી.