(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અનુમંતરાવે કહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિનંતી કરશે કે મણિશંકર ઐયરને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે, મણિશંકરને ગયા વર્ષે મોદી સામે ‘નીચ’ની ટિપ્પણી કરાતા પક્ષમાંથી બરતરફ કરાયા હતા. મણિશંકરે નવી વિવાદિત ટિપ્પણી પાકિસ્તાનના કરાચીમાં કરી છે. એમણે કહ્યું કે પાકિસ્તાનના મોટાભાગના રાજકીય પક્ષો ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે પણ ભારત નથી ઈચ્છતું. ઐયરે કહ્યું કે પાકિસ્તાનના જમાત-એ-ઈસ્લામી સિવાય બધા પક્ષો ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાનમાં આ પ્રકારનું પરિવર્તન જણાય છે. પણ ભારતમાં એની અસર થઈ નથી. બે દિવસ પહેલાં જ પાકિસ્તાનના આતંકીઓએ જમ્મુમાં સૈન્ય કેન્દ્ર ઉપર હુમલો કર્યો હતો એના પછી આ પ્રકારની ટિપ્પણી ઐયર કરી રહ્યા છે. રાવે કહ્યું કે મણિશંકરે આ પ્રકારની ટિપ્પણી કરવી બંધ કરવી જોઈએ. એમની આ પ્રકારની ટિપ્પણીઓથી કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ સમયે અવળી અસર થઈ શકે છે. ટિપ્પણીઓનો લાભ ભાજપ ચોક્કસ ઉઠાવશે. ઐયરે ગુજરાતની ચૂંટણીઓ વખતે પણ મોદીને ‘નીચ’ કહી બાજી બગાડી હતી. એ પછી કોંગ્રેસે એમને બરતરફ કર્યા હતા. પણ ઐયરનો પાકિસ્તાન પ્રેમ હજુ છૂટતો નથી અને એ કહે છે કે, પાકિસ્તાન તરફથી એમને ઘણો પ્રેમ મળ્યો છે. આ કેવા પ્રકારની મૂર્ખામી જણાવી રહ્યા છે ? ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું ઐયર રીઢા ગુનેગાર છે. એમણે પાકિસ્તાનમાં જઈ કહ્યું હતું કે, મોદીને હરાવવા જ પડશે. પણ કોંગ્રેસમાં ફકત ઐયર જ નથી. સલમાન ખુરશીદ પણ છે જે પાકિસ્તાન જઈ પાકિસ્તાનના વખાણ કરે છે અને ભારતને ઉતારી પાડે છે. કોંગ્રેસની દેશ પ્રત્યે આ જ ભાવના છે. પી.ચિદમ્બરમ કાશ્મીરને આઝાદી અપાવવાની વાત કરે છે. કાશ્મીરમાં લોકો ભારતના સૈન્ય વડાને ‘સડક કે ગુંડે’થી સંબોધે છે. ર૦૧૪ના વર્ષમાં પણ ઐયરે કહ્યું હતું કે, ‘ચા’ વેચનાર મોદી દેશના વડાપ્રધાન કોઈ પણ ભોગે નહીં બની શકે. મોદીએ તક ઝડપી લીધી. મોદીની જીતમાં ઐયરનું પણ ઘણું યોગદાન હતું.