(એજન્સી) લાહોર, તા.ર
આજે સમગ્ર દેશમાં રંગોના પર્વ હોળીની ઉજવણી થઈ રહી છે. પરંતુ એવું નથી કે રંગોનો આ તહેવાર માત્ર ભારતમાં જ ઉજવાઈ રહ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ લોકો કોમી એખલાસ સાથે ધૂમધામપૂર્વક હોળી ઉજવી રહ્યા છે.
પાકિસ્તાનના કરાચીમાં સત્યના અસત્ય પર વિજયને વધાવવામાં આવ્યો. હોળીનો આ ઉત્સવ કરાચીના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયો હતો. જ્યાં નોંધપાત્ર રીતે ભારતીય ગીતોએ ધૂમ મચાવી હતી. હિન્દુ સમુદાયના લોકોએ સંપૂર્ણવિધિ મુજબ હોલિકા દહન પણ કર્યું હતું. પાકિસ્તાનની રવિ નદી નજીક આવેલા પંજાબ વિસ્તારમાં આવેલ કૃષ્ણ મંદિર નજીક પણ મોટાપાયે હોળીનું આયોજન કરાયું હતું. જ્યાં હિન્દુ ભક્તોએ ઉલ્લાસપૂર્વક સંગીતની તાલે હોળી ઉજવી હતી.
પાકિસ્તાન હિન્દુ વેલ્ફેર કાઉન્સિલના ચેરમેન માનવર ચંદએ કહ્યું કે હોળી તમામ ધર્મો અને વ્યક્તિઓ વચ્ચેના પ્રેમનું પ્રતીક છે. હોળીની શુભકામનાઓ બદલ મુખ્યમંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી ખલીલ તાહીરનો અમે આભાર માનીએ છે. પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં હોળીના ઉત્સવને વધાવવામાં આવ્યો હતો.