નવી દિલ્હી, તા.૭
પાકિસ્તાનના પૂર્વ ઓપનર મોહસીનખાને ફિટનેસના ખરાબ સ્તરને લઈ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની જોરદાર ઝાટકણી કાઢી છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે પાકિસ્તાન ટીમની પ્લેઈંગ ઈલેવનના આઠ ખેલાડીઓની ફિટનેસ આંતરરાષ્ટ્રીય સ્તરની નથી. જો કે તેમણે શર્જીલખાનની તરફેણ કરતા કહ્યું કે તે ઘણો પ્રતિભાશાળી ખેલાડી છે. મોહસીને ૧૯૭૭થી લઈ ૧૯૮૬ દરમ્યાન પાકિસ્તાન માટે ૪૮ ટેસ્ટ અને ૭પ વન-ડે મેચ રમી છે. મોહસીન ખાને કહ્યું કે પાકિસ્તાન માટે ઓપનિંગ હંમેશાથી સમસ્યા રહી છે. શર્જીલખાન પ્રતિભાશાળી ખેલાડી છે અને તેની ફિટનેસને લઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ટીમની પ્લેઈંગ ઈલેવનના આઠ ખેલાડીઓ ફિટનેસના માપદંડો ઉપર ખરા ઊતરતા નથી. મોહસીનખાને પૂર્વ બેટસમેન મિસ્બાહ ઉલ હકની પણ ઝાટકણી કાઢી. તેમણે કહ્યું જ્યારે ઈમરાનખાન વડાપ્રધાન બન્યા તો આશા હતી કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં યોગ્ય નિર્ણય લેવાશે પણ એવું થયું નહીં. અમારૂં ક્રિકેટ ટ્રેક ઉપરથી ઊતરી ગયું છે. કારણ કે ટીમના પ્રદર્શનમાં નિરંતરતા નથી. હેડ કોચ અને ચીફ પસંદગીકાર બનેલા મિસ્બાહની જવાબદારી કેવી રીતે નક્કી થઈ જ્યારે એક જ વ્યક્તિ બે પદ ઉપર હોય તે પછી જવાબદારી કોની હશે.
વર્ષ ર૦૧૧માં પાકિસ્તાન ટીમના અંતરિમ કોચ રહી ચૂકેલા મોહસીનખાને ખુલાસો કર્યો કે તેમને પણ બેવડી જવાબદારીની ઓફર થઈ હતી પણ તેમણે હિતોના ટકરાવને જોતા આનો ઈન્કાર કરી દીધો હતો. મોહસીનખાન લોડર્સમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બેટસમેન છે.