નવી દિલ્હી,તા.૨૫
પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ માટે બીસીસીઆઈની નીતિ સંપૂર્ણ રીતે ભારત સરકારના વલણથી સંચાલિત થઈ રહી છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી કોઈ પણ દ્વિપક્ષીય સીરિઝ નથી રમાઈ. ભારતે પાકિસ્તાનમાં પોતાની અંતિમ સીરિઝ ૨૦૦૫-૦૬માં રમી હતી જ્યારે પાકિસ્તાને ભારતમાં અંતિમ દ્વિપક્ષીય સીરિઝ ૨૦૧૨-૧૩માં રમી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી આ બંને દેશ એકબીજા સામે માત્ર આઈસીસી ઈવેન્ટ અને એશિયા કપમાં જ રમે છે. આ દરમિયાન એક ખબર એવી પણ આવી રહી છે કે બીસીસીઆઈની અંદર ભારતીય ટેનિસ ટીમના પાકિસ્તાનના પ્રસ્તાવિત પ્રવાસને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે.
ટેનિસ ટીમની પાકિસ્તાન સાથે ઈસ્લામાબાદમાં રમાનાર મેચ પ્રસ્તાવિત છે. આ મુકાબલો ગ્રુપ-૧ એશિયાઈ ઓસિયાના ક્ષેત્રી મેચ અંતર્ગત રમાશે. જો કે હજુ એ સ્પષ્ટ રીતે નક્કી નથી કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં જઈ મેચ રમશે કેમ કે બોલ સરકારના ત્રાજવામાં હશે. પરંતુ આ વખતે એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત સરકાર ટીમને રમવા માટે મંજૂરી આપી દેશે.
એવામાં બીસીસીઆઈના એક અધિકારીએ સરકારના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો સરકારની નીતિ પાકિસ્તાનને લઈ બદલી રહી હોય તો પછી માપદંડ બધી જ રમત માટે એક જેવા હોવા જોઈએ. જો આપણે પાકિસ્તાન સામે ટેનિસ રમી શકીએ છીએ તો પછી ક્રિકેટ માટે પણ માપદંડ સ્પષ્ટ હોવા જોઈએ. અધિકારીએ એમ પણ કહ્યું કે જો સરકારની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે તો બીસીસીઆઈએ પણ તે હિસાબે વિચારવું જોઈએ.