(એજન્સી) ઇસ્લામાબાદ, તા.૧૯
પાકિસ્તાનમાં નાનકાના સાહેબ ખાતે બૈસાખીની ઉજવણીમાં શામેલ થવા ગયેલી ભારતીય શીખ મહિલાએ લાહોરમાં એક વ્યક્તિ સાથે નિકાહ કરી લીધા છે અને ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે. આ નિકાહ પછી તેણે પોતાના વિઝાની મર્યાદા વધારવાની ડિમાન્ડ કરી છે. સ્થાનીય સમાચારપત્ર ’એક્સપ્રેસ ટ્રિબ્યુન’માં આવેલા સમાચાર પ્રમાણે પંજાબના હોંશિયારપુર જિલ્લાના નિવાસી મનોહર લાલની દીકરી કિરણ બાલાએ પાકિસ્તાની વિદેશી વિભાગને અરજી કરી છે કે તેના વિઝાની મર્યાદા વધારવામાં આવે કારણ કે તેણે લાહૌરના નિવાસી મોહમ્મદ આઝમ સાથે નિકાહ કરી લીધા છે.રિપોર્ટ પ્રમાણે કિરણ અને મોહમ્મદે ૧૬ એપ્રિલના દિવસે ’જામિયા નસીમિયા’ નામની સંસ્થામાં નિકાહ કરી લીધા હતા. કિરણે પોતાનું નામ બદલીને આમના બીબી કરી લીધું છે. તેણે વિદેશ મંત્રાલયને લખેલા પત્રમાં આ નામનો જ ઉપયોગ કર્યો છે. આમના બીબીએ પત્રમાં લખ્યું છે કે હાલમાં તે ભારત નથી જઈ શકતી કારણ કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળે છે. આ સંજોગોમાં તેના વિઝાની મર્યાદા વધારવાની જરૂર છે. હાલમાં તેના વિઝાની મર્યાદા ૨૧ એપ્રિલ સુધી છે. ચોંકાવનારી વાત તો એ છે કિરણ બાલા પરિણીત છે અને તેને ત્રણ સંતાનો છે. તે પોતાના સંતાનોને ભારતમાં જ છોડીને પાકિસ્તાનરવાના થઈ ગઈ છે. કિરણના પતિનું ૨૦૧૩માં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. કિરણના સસરાએ દાવો કર્યો છે કે તે હંમેશા મોબાઇલ ફોનમાં ફેસબુક તેમજ વોટ્‌સએપમાં વ્યસ્ત રહેતી હતી. તેના સસરાને શક છે કે તે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇનો શિકાર બની ગઈ છે અને શક્ય છે કે તે જાસૂસી કરી રહી હોય.