(એજન્સી)
ઇસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનના મુખ્ય કોચ અને પ્રમુખ પસંદગીકાર મિસબાહ ઉલ હક ઇચ્છે છે કે ઇંગ્લેન્ડ પ્રવાસને જોતા ખેલાડીઓ માટે ટ્રેનિંગ સેશન જલ્દી શરૂ કરવામાં આવે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આની સુવિધા કરવાને લઈ ઝઝૂમી રહ્યું છે. જેના કારણે આના આયોજનમાં મોડું થઈ શકે છે.
બોર્ડના એક સૂત્રે જણાવ્યું કે બોર્ડની યોજના ૩૦થી ૩૫ ખેલાડીઓને શિબિર માટે આમંત્રિત કરવાની હતી જેમાંથી ૨૫ ખેલાડીઓની જુલાઈ-ઓગસ્ટમાં થનારા સંભવિત ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગી થવાની હતી. આ પ્રવાસે પાકિસ્તાનને ૩ ટેસ્ટ અને ૩ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમવાની છે. સૂત્રે જણાવ્યું કે શિબિરની વ્યવસ્થા હવે પીસીબી માટે માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે, લાહોરની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ૩૦થી વધુ ખેલાડીઓ સાથે અધિકારીઓને રોકાવવાની સુવિધા નથી. સૂત્રે જણાવ્યું કે વિચાર એવો છે કે ખેલાડી એનસીએમાં રહે અને ગ્રુપમાં ટ્રેનિંગ કરે અને એકેડમીની સુવિધાઓનો ઉપયોગ કરી ટ્રેનિંગ અને નેટ પ્રેક્ટિસ કરે. પરંતુ સમસ્યા એ છે કે આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ અને અધિકારીઓને એક સાથે રાખવા ક્યા. આ દરમિયાન મિસબાહે સ્પષ્ટતા કરી કે ખેલાડી એક વાર એકેડમીમાં આવ્યા બાદ ઘરે નહીં જઈ શકે. ટ્રેનિંગમાં શામેલ ખેલાડીઓ સિવાય અન્ય કોઈ બાહરના વ્યક્તિને મળી પણ નહીં શકે.