(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
પાકિસ્તાની નાગરિકની કસ્ટડી માટે પાકિસ્તાન હાઈકમિશને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેની ઉપર નકલી ચલણી નોટો રાખવાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતા. આ કેસમાં કરાચીનો રહેવાસી સજ્જાદ વોરા (ઉ.વ.૨૮) સંડોવાયેલો છે, જે ૨૦૧૬માં તેના સંબંધીઓને મળવા માટે સુરત આવ્યો હતો. જ્યારે તે તેના સંબંધીઓ સાથે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ જતો હતો, ત્યારે તે સુરત રેલવે સ્ટેશન પર નકલી ભારતીય ચલણી નોટો સાથે મળી આવ્યો હતો. વોરા સામે ગુનો દાખલ કરાયો હતો અને ત્યારબાદ તેની સુરતમાં સેશન્સ કોર્ટ સમક્ષ કાર્યવાહી કરવામાં આવી હતી, તે નિર્દોષ છૂટી ગયો હતો. ટ્રાયલ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેની છૂટકારો સામે અપીલની અટકાયત સુધી તેને ભારત છોડવાની મંજૂરી નહોતી. રાજ્ય સરકારની અપીલને જુલાઈ ૨૦૧૯માં હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને વોરાની નિર્દોષતાને પુષ્ટિ મળી હતી, તેનો નિર્દોષ છૂટકારો થયા બાદ વોરાએ પાકિસ્તાન પાછા ફરવાના પ્રયાસો શરૂ કર્યા, તેનો વિઝા ૨૦૧૭માં સમાપ્ત થયો હતો અને તેના કારણે અવરોધ ઊભો થયો હતો તેને પોલીસ પાસેથી એનઓસીની જરૂર હતી જેના વગર તેનું પરત ફરવું શક્ય ન હતું. ફોરેનર્સ પ્રાદેશિક નોંધણી કચેરી (એફઆરઆરઓ)એ એનઓસી પર ભાર મૂક્યો હતો, જે સ્થાનિક પોલીસે આપી ન હતી. વોરા ગયા મહિને પાકિસ્તાન પાછા ફરવાની અડચણોને દૂર કરવા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. દરમિયાન, નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશને તેના રાષ્ટ્રીય કારણને સમર્થન આપ્યું હતું અને હાઈકોર્ટમાં એક હેબિયાસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી કે, પાકિસ્તાની નાગરિક પરત ફરવાની ઈચ્છા ધરાવે છે અને તેને તેની ઈચ્છા અને માન્ય વિઝા વિના ભારતમાં જ રહેવા માટે મજબૂર બનાવવામાં આવ્યો છે. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે ફોજદારી કેસમાં વોરાને સ્પષ્ટ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને હવે ભારતીય અધિકારીઓને તેની જરૂરિયાત નથી કે પાકિસ્તાની નાગરિકને હવે ભારતમાં રાખવામાં આવે. ન્યાયાધીશ સોનિયા ગોકાણી અને ન્યાયાધીશ એન.વી.અંજારિયાની ખંડપીઠે મંગળવારે પડોશી દેશના નાગરિકને તેના હવાલે કરવાની માંગ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટે ઉચ્ચ કમિશનના અધિકારી મુનીત સતીનો અધિકૃત પત્ર પણ માંગ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે તેમને દેશ દ્વારા વોરાની કસ્ટડી માટે કેસ દાખલ કરવા માટે સત્તા આપવામાં આવી છે. ગુરૂવારે આ કેસની વધુ સુનાવણી હાઈકોર્ટે કરવાની છે.