(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૪
પાકિસ્તાનના પંજાબના કસૂરમાં સાત વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યાના ચર્ચાસ્પદ મામલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હતી. સ્થિતિ એવી હતી કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આરોપીને ૭૨ કલાકમાં પકડી પાડવાનો આદેશ આપ્યો હતો. સમયમર્યાદા પૂરી થયાના એક દિવસ પહેલા જ પોલીસે બાળકીના પાડોશી આરોપીને પકડી પાડ્યો હતો પરંતુ આ માટે પોલીસે ૧૪ દિવસમાં ૧૧૫૦ લોકોના ડીએનએ સેમ્પલ તપાસ્યા હતા. પાકિસ્તાની પોલીસે કહ્યંુ છે કે, તેણે હત્યાના શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી લીધી છે તેની ઓળખ ૨૪ વર્ષના ઇમરાન અલી તરીકે થઇ છે. એક વીડિયો ફૂટેજમાં ઝૈનબના જનાઝામાં ઇમરાનને જોવામાં આવ્યો હતો. પોલીસે પાછલા સપ્તાહે લાહોરના પૂર્વી શહેર કસૂર જિલ્લાના કચરાના ડબ્બામાં ઝૈનબના મૃત શરીરને શોધી કાઢ્યો હતો. ચાર દિવસ બાદ તેના લાપતા થવાના અહેવાલ મળ્યા હતા. પાકિસ્તાનના મુખ્યમંત્રી શાહબાઝ શરીફે કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા શખ્સે ઝૈનબની હત્યાની કબૂલાત કરી છે અને તેના ડીએનએ ટેસ્ટથી પણ સાબિત થઇગયું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શંકાસ્પદ ઝૈનબના પાડોશીઓમાંથી એક હતો. પોલીસે કહ્યું છે કે, આરોપીએ અનેક હત્યાઓની કબૂલાત કરી છે અને ઓછામાં ઓછી સાત બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યા કરવાનો શંકાસ્પદ માનવામાં આવે છે.