લંડન,તા.૨૫
બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસને ગુજરાતી મૂળના પ્રીતિ પટેલને ગૃહ મંત્રી બનાવવાની સાથે સાથે પાકિસ્તાની મૂળના સાજિદ જાવેદને નાણા મંત્રી બનાવ્યા છે. સાજિદનો જન્મ બ્રિટનમાં થયો છે. આ પહેલા તેઓ બ્રિટનના ગૃહ મંત્રી રહી ચુક્યા છે. જાવેદ પહેલી વખત ૨૦૧૦માં બ્રૂમ્સગ્રોવથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સાજિદ પાકિસ્તાની મૂળના છે. તેઓ ૧૯૬૯માં બ્રિટનમાં જ જન્મ્યા હતા. સાજિદનો પરિવાર પહેલા પાકિસ્તાનમાં રહેતો હતો. રોજગારીની તલાશમાં તેઓ બ્રિટન આવ્યા હતા. તેમના પિતા બસ ડ્રાઈવર હતા. સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે તેમને બેન્કિંગ અને ઈન્વેસ્ટમેન્ટમાં રસ જાગ્યો હતો અને તેમણે પોતાની પિતાની બેંકના મેનેજર પાસેથી પાંચ પાઉન્ડની લોન લઈને બિઝનેસ શરૂ કર્યો હતો. આ રકમ તેમણે શેરમાં ઈન્વેસ્ટ કરી હતી. બ્રિસ્ટલમાં સ્કૂલ એજ્યુકેશન લેનારા જાવેદનો પરિવારે તે સમયે કપડાની દુકાન ખરીદી હતી. દુકાનની ઉપરના ફ્લેટમાં જ તેમનો પરિવાર રહેતો હતો.