(એજન્સી) પૂંચ, તા.૧
ગુરૂવારે પૂંચ જિલ્લાના મનકોટ સેક્ટરમાં સરહદ પારથી પાકિસ્તાને કરેલા ગોળીબારોમાં બે ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સેનાએ કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર ઓટોમેટિક હથિયારોથી ગોળીબારો કર્યા હતા. જેમાં ભારતના બે સૈનિકો ઘાયલ થયા હતા. ભારતે જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનની પોસ્ટને નષ્ટ કરી હતી.
ચાલુ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબારોમાં ૧ર સૈનિકો સહિત ર૧ લોકોનાં મોત થયા હતા. જ્યારે ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. દરમ્યાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાન મોદીની મુલાકાત લઈ સરહદે તણાવ ઘટાડવા માટે અપીલ કરી હતી. તે માટે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેથી લોહિયાળ જંગ ઓછો થાય.
ર૦૦૩માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી થઈ હતી. તેમ છતાં પાકિસ્તાને તેનું સેંકડો વખત ઉલ્લંઘન કર્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩૩ર૩ કિ.મી. લાંબી સરહદ છે. જેમાં ૭૪૦ કિ.મી. લાંબી જમ્મુ-કાશ્મીરમાં છે.