(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
ભારતીય સરહદમાં કાર્યવાહી કરવા માટે કોઇ પણ એફ-૧૬ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં નહીં આવ્યો હોવાનું પાકિસ્તાનનું જુઠ્ઠાણું ઉઘાડું પાડવા માટે ભારતીય સેના, વાયુ દળ અને નૌકા દળના ગુરૂવારે સાંજે સંગઠિત થયા હતા. ભારતની સેનાની ત્રણે પાંખના વડાંએ ગુરૂવારે સાંજે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને પાકિસ્તાનનું જુઠ્ઠાણું દુનિયા સમક્ષ ઉઘાડું પાડ્યું હતું. ભારતીય સરહદમાં હુમલા કરવા માટે પાકિસ્તાને એફ-૧૬ લડાયક વિમાનનો ઉપયોગ નહીં કર્યો હોવાનું પાકિસ્તાનનું જુઠ્ઠાણું ઉઘાડું પાડતા એરવાઇસ માર્શલ આરજીકે કપૂરે એફ-૧૬ વિમાનમાંથી મારવામાં આવેલી મિસાઇલના ટુકડા બતાવ્યા હતા. મિસાઇલના આ ટુકડા કાશ્મીરના રાજૌરીમાંથી મળ્યા છે. પાકિસ્તાને ભારતમાં હુમલા કરવા માટે એફ-૧૬ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. તેનો ઇલેક્ટ્રોનિક સિગ્નેચર પણ મેચ કરવામાં આવ્યો છે.
બાલાકોટની એરસ્ટ્રાઇક બાદ ગુરૂવારે પહેલી વાર સેનાની ત્રણે પાંખના વડાં મીડિયા સમક્ષ આવ્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ૨૭મી ફેબ્રુઆરીએ પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. પાકિસ્તાને ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. અમે એફ-૧૬ વિમાન તોડી પાડ્યું છે. પાકિસ્તાનેી ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાનો ખોટો દાવો કરી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઇકમાં ત્રાસવાદી કેમ્પ્સ ફૂંકી મારવામાં આવ્યા હોવાના અમારી પાસે નક્કર પુરાવા છે અને સરકાર ઇચ્છશે ત્યારે અમે આ પુરાવા રજૂ કરીશું.