નવી દિલ્હી,તા.૧પ
પાકિસ્તાનના વડાપ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ઈમરાનખાન પર તેમના સાથી ક્રિકેટર બાસિતઅલીએ આરોપ લગાવ્યો છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.કોમ સાથે ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો કે વર્લ્ડકપ બાદ ૧૯૮૩ની આસપાસ દિગ્ગજ બેટસમેન જાવેદ મિયાંદાદને ટીમમાંથી કાઢવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જે બીજા કોઈએ નહીં પણ ઈમરાનખાને રચ્યું હતું. એટલું જ નહીં તેમણે વસીમ અકરમ પર આરોપ લગાવ્યો કે તે ફ્કત નામનો કપ્તાન હતો. નિર્ણય તો ઈમરાનખાન જ લેતા હતા. પૂર્વ પાકિસ્તાની બેટસમેને ખુલાસો કરતા કહ્યું કે, જાવેદ મિયાંદાદને ટીમમાંથી કાઢવાનું ષડયંત્ર રચાયું હતું. તે સમયે મારી તુલના તેમની સાથે કરવામાં આવતી હતી પણ પ્રામાણિકતાથી કહું તો હું મિયાંદાદનો એક ટકા પણ ન હતો. હું ચાર નંબરે બેટિંગ કરતો હતો. જ્યારે મિયાંદાદને હટાવી દેવાયા તો મને છઠ્ઠા નંબરે સ્થળાંતર કરી દેવાયો. ચાર નંબરે મારી એવરેજ પપની હતી. પણ છઠ્ઠા નંબરે મારૂં પ્રદર્શન ખરાબ થઈ ગયું તેઓ જાણતા હતા કે હું આ નંબરે કદાચ જ બેટિંગ કરી શકીશ. આ મારા માટે ધીમું ઝેર હતું.