(એજન્સી) જમ્મુ, તા.ર૦
શનિવારે પાકિસ્તાને સરહદે કરેલા ગોળીબારોમાં ર૩ વર્ષના મનદીપસિંગ નામના એક સેનાના જવાન અને બે નાગરિકો સહિત ૩નાં મોત થયા હતા. આરએસપુરા સેકટરમાં પાકિસ્તાની રેન્જરોએ કરેલા ગોળીબારો અને મોર્ટારો ઝીંકતાં સેનાનો જવાન શહીદ થયો હતો. જ્યારે કપુરપુરાના ગૌરારામ અને અબુલીયન ગામના ગોરસિંગના મોત થયા હતા. આ ઉપરાંત પાંચ જેટલા લોકો ઘવાયા હતા. પાકિસ્તાની રેન્જરોએ ગઈ રાત્રે ચિનાબ નદીના સામે છેડેથી સતત ગોળા વરસાવ્યા હતા. ભારતીય દળોએ આક્રમક જવાબ આપ્યો હતો. અખનુર સેકટર અને આરએસપુરામાંથી ૮થી ૯ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. શુક્રવારે બે સેનાના જવાનો શહીદ થયા હતા. જ્યારે ઘણા નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાની દળો સતત ભારતીય સરહદે તોપગોળા વરસાવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસે આ મુદ્દે મોદી સરકારને આડે હાથે લીધી છે. કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રીય સલામતી વડાપ્રધાનના કાર્યાલય પૂરતી સિમિત ન હોવી જોઈએ તેના બદલે તેને સલામતી દળો અને રાષ્ટ્રીય હિત તરફ કેન્દ્રીત કરવી જોઈએ. દરમિયાન પૂંચના ક્રિષ્નાઘાટી સેન્ટરમાં પાકિસ્તાની સ્નાઈપરે ભારતીય જવાનને વિધિ નાંખી શહીદ કર્યો હતો. જવાબમાં ભારતના સીમા સુરક્ષા જવાનોએ કરેલા વળતા પ્રહારમાં ચાર પાકિસ્તાની રેન્જરો માર્યા ગયા હતા. આ ઉપરાંત સુચેતગઢમાં અને પરગવાલમાં શસ્ત્રાગારનો નાશ કર્યો હતો. ભારતીય દળોએ કરેલા ગોળીબારોમાં પાકિસ્તાનના સરહદી ગામોમાં ભારે ખુવારી સાથે સંપત્તિને નુકસાન થયું હતું. જેની જાહેરાત મસ્જિદોના લાઉડસ્પીકરો પરથી કરાતી હતી. ડઝન જેટલા રેન્જરના મોત થયા હોવાનું કહેવાય છે. ભારતીય સરહદે પ કિ.મી.ની અંદર જમ્મુ સરહદે અગમચેતીના પગલાં રૂપે શાળાઓ બંધ રાખવાનો સરકારે હુકમ આપ્યો છે. ઝીરો લાઈન પર આરએસપુરા, સરિના રામગઢના લોકોને સ્થળાંતર કરાયા છે. પાકિસ્તાનના સતત યુદ્ધ ભંગના પગલાંનો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પડઘો પડ્યો હતો. કોંગ્રેસ, એનસીના સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો.