(એજન્સી) તેકનપુર, તા.૮
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને તાલીમ આપવાનું કામ જારી છે. પાકિસ્તાન ભારત વિરૂદ્ધ જમ્મુ અને કાશ્મીરના યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે.
રાજનાથે વધુમાં ભારતની ટોચના પોલીસ અધિકારીઓને તાકીદ કરી હતી કે રમખાણો તથા ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાના કેસોમાં કડક હાથે કામગીરી કરવામાં આવે. તેકનપુરમાં ડીજીપી અને આઈજીપીના એક સંમેલનમાં રાજનાથે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હજુ ત્રાસવાદી તાલીમ કેમ્પો ધમધમે છે. એટલું જ નહીં પાડોશી દેશોમાં ત્રાસવાદ સાથે જોડાયેલા વિવિધ સંશાધનો પણ બેરોકટોક ચાલી રહ્યા છે. પાકિસ્તાન તથા પાકિસ્તાન હસ્તકર્તાના કાશ્મીરમાં હજુ પણ ત્રાસવાદીઓને તાલીમ આપવામાં આવે છે.
રાજનાથે જણાવ્યું હતું કે પાડોશી દેશના વલણમાં હજુ સુધી કોઈ સુધારો થયો નથી. પાકિસ્તાન ત્રાસવાદીઓને નાણાકીય સહિતની તમામ મદદ કરે છે. પાકિસ્તાન કાશ્મીરના યુવકોને ભારત વિરૂદ્ધ ઉશ્કેરવાનું કામ કરે છે. ઉપરાંત પાડોશી દેશ ભાગલાવાદી તત્ત્વોને પણ મદદ કરે છે. જેથી જમ્મુ અને કાશ્મીરમાં કાયદા તથા વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર ખતરો ઊભો થાય છે. રાજનાથે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાની કામગીરી ખૂબ જ વખાણવાલાયક છે. સેના રાજ્યમાં ગમે તેવી સ્થિતિ પર કાબૂ મેળવવામાં સક્ષમ છે. આ સાથે તેમણે નકસલવાદી પ્રવૃત્તિ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નકસલવાદીઓના આત્મસમર્પણ માટે વિવિધ યોજના હાથ ધરાશે.