(એજન્સી) તા.૨૬
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે શુક્રવારે પાકિસ્તાન પર પલટવાર કર્યો અને કહ્યું કે, ઈસ્લામાબાદે એકવાર ફરી જૂઠું ફેલાવ્યું અને અંગત હુમલા કર્યા છે. ૭૦ વર્ષોમા પાકિસ્તાનનું એકમાત્ર ગૌરવ આતંકવાદ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ ટ્‌વીટ કર્યું, પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન વધુ એક કૂટનૈતિક ગિરાવટ છે. વધુ એક જૂઠ, અંગત હુમલો અને પાકિસ્તાનના લઘુમતો પર અત્યાચારો અને સીમા-પાર આતંકવાદ છૂપાવવાનો પ્રયાસ છે. યૂએનમાં પીઓકે વિશે ભારત તરફથી આકરા શબ્દોમાં કહેવામાં આવ્યું, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. જમ્મુ-કાશ્મીરમાં લાવવામાં આવેલા નિયમ અને કાનૂન ભારતનો આંતરિક મામલો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૫મા સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાનો પહેલેથી રેકોર્ડ કરાયેલ વીડિયો સંબોધનમાં જમ્મુ-કાશ્મીર સહિત ભારતના આંતરિક મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. ઈમરાન ખાને કહ્યું હતું પાકિસ્તાન હંમેશાથી શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવાના પક્ષમાં છે. આના માટે ભારતે ૫ ઓગસ્ટ ૨૦૧૯ પહેલા ચાલી રહેલા ઉપાયોને ફરીથી લાગુ કરવા જોઈએ’ અને સૈન્ય ઘેરાબંધી અને જમ્મુ-કાશ્મીરમાં અન્ય માનવ અધિકારોના ઉલ્લંઘનનો અંત કરવો જોઈએ. પાકિસ્તાની પીએમને જવાબ આપતાં ભારત તરફથી કહેવામાં આવ્યું, ‘કાશ્મીરમાં બચેલ એકમાત્ર વિવાદ કાશ્મીરના એ ભાગથી સંબંધિત છે, જે હજી પણ પાકિસ્તાનના ગેરકાયદેસરના કબ્જામાં છે. અમે પાકિસ્તાનને ગેરકાયદેસર કબ્જા જમાવ્યા હોય એ બધા ક્ષેત્રો ખાલી કરવાનું આહ્‌વાન કરીએ છીએ. જણાવી દઈએ કે, જ્યારે ઈમરાન ખાનના સંબોધનમાં ભારતનો ઉલ્લેખ આવ્યો, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતો મહાસભા હોલથી બહાર ચાલ્યા ગયા હતા.