(એજન્સી)નવી દિલ્હી, તા.ર૬
પાકીઝા ફિલ્મની અભિનેત્રી ગીતા કપૂરનું શનિવારે સવારે મુંબઈના વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થયું છે. ગત વર્ષે તેણીના બાળકોએ તેણીને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મૂકી હતી. ગત વર્ષે તેણીનો હોસ્પિટલ ખર્ચ ચૂકવનાર સીબીએફસી સભ્ય અશોક પંડિતે લખ્યું કે અમે તેણીને સ્વસ્થ રાખવાના સર્વોત્તમ પ્રયાસ કર્યા પરંતુ તેણીના પુત્ર અને પુત્રીએ તેણીને દિવસેને દિવસે કમજોર બનાવી રહી હતી. તેમણે આગળ જણાવ્યું કે, અમે કૂપેર હોસ્પિટલ વિલેપાર્લેમાં તેણીના બાળકો ઓછામાં ઓછું અંતિમવિધિ માટે આવે તેની રાહ જોઈશું નહીં તો પછી અમારી રીતે સન્માનભેર વિદાય આપવાનો પ્રયત્ન કરીશું. ગત વર્ષે મે ર૦૧૭માં મુંબઈની હોસ્પિટલમાં ગીતા કપૂરને પુત્ર રાજા દ્વારા તરછોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણીએ જણાવ્યું કે, તેમનો પુત્ર તેમની હેરાનગતિ અને મારઝૂડ કરતો અને ભૂખ્યો રાખતો. આ બાદ અશોક પંડિત મદદે આવ્યા હતા અને તેણીના બિલ ચૂકવી ઘરડા ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો.