(એજન્સી) નવી દિલ્હી, તા.પ
બીજેપીના નારાજ સાથી શિવસેનાના સાંસદે રવિવારે આકરા પ્રહારો કરતાં કહ્યું કે, “યુદ્ધ”ના નામે ૪ જવાનો શહીદ થયા છે. “તેમણે પાકિસ્તાનને આ અંગે વળતો જવાબ આપવા માટે કેન્દ્ર પર ભાર મૂક્યો છે.
સાંસદ સંજય રાઉતે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ થવા પર સરકારની ટીકા કરી છે.
“આ માત્ર યુદ્ધ વિરામનો ભંગ નથી, ‘યુદ્ધ’ જ છે. સરકારે પાકિસ્તાની લશ્કરને તેમની ભાષામાં જ વળતો જવાબ આપવો જોઈએ અને જો આવું નહીં થાય તો આખી દુનિયા આપણને નપંુસક કહેશે.
સંજય રાઉતે કહ્યું કે, ગઈકાલે પાકિસ્તાને આપણા જવાનો પર હુમલો કરવા માટે મિસાઈલોનો ઉપયોગ કર્યો, શું આપણી મિસાઈલો માત્ર પ્રદર્શન કરવા કે રાજપથ પર ભેગી કરવા માટે છે ? શું તે માત્ર ર૬મી જાન્યુઆરીએ વિદેશ પ્રમુખોને બતાવવા માટે છે ? રવિવારે ભિંબર ગલી સેક્ટરમાં થયેલા તોપમારામાં ચાર જવાનો શહીદ થયા હતા. અહેવાલ અનુસાર આ તોપમારાની શરૂઆત પૂંછ જિલ્લાના શાહપુર વિસ્તારના સરહદીય ભાગમાંથી સવારે ૧૧ઃ૧પ કલાકે થઈ હતી. ત્યારબાદ બપોરે ૩ઃ૩૦ કલાકે રાજૌરી જિલ્લામાં મેંઘર અને માંજાકોટેમાં આવેલા બાલાકોટે સેક્ટરમાં હુમલાની શરૂઆત થઈ હતી.
આ હુમલામાં શહીદ થનાર ચાર જવાનોમાં ર૩ વર્ષીય આર્મી કેપ્ટનનો પણ સમાવેશ થાય છે. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સૈનિકોએ રવિવારે એક ઉચ્ચ કૈલિબરના હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ છે કે તેમણે એન્ટી-ટેન્ક મિસાઈલ અથવા તોપનો ઉપયોગ કર્યો હોઈ શકે. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાનના આ કૃત્યને સાંખી લેવામાં નહીં આવે અને તેને આ અંગે વળતો જવાબ આપવામાં આવશે.