(એજન્સી) તા.૯
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) માટે જાસૂસી કરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ નાસિક સ્થિત હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના એક કર્મચારીની ધરપકડ કરી હતી. આ કર્મચારી વિરુદ્ધ એવો આરોપ છે કે તે ભારતના ફાઇટર જેટ વિમાનોની ટેકનોલોજી અને કંપનીની અત્યંત ગુપ્ત કહી શકાય એવી કેટલીક માહિતી પાકિસ્તાનની આઇએસઆઇને પહોંચાડતો હતો. એટીએસ દ્વારા બહાર પડાયેલી અખબારી યાદીમાં આ કર્મચારીનું નામ દીપક હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે હિંદુસ્તાન એરોનોટિક્સ કંપનીનો દીપક નામનો કર્મચારી ભારતીય ફાઇટર જેટ વિમાનોના ઉત્પાદન સંબંધી કેટલી મહત્વની માહિતી આઇએસઆઇને પહોંચાડતો હતો, નાસિક સ્થિત એટીએસની કચેરીને આ અંગેની બાતમી મળી ગઇ હતી, કેમ કે તે આરોપી છેલ્લા કેટલાંય સમયથી પાકિસ્તાનની આઇએસઆઇ સંસ્થાના સંપર્કમાં હતો.
આ અંગે એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે એચએએલનો કર્મચારી ભારતના સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થઈ રહેલાં કેટલાંક ફાઇટર જેટ વિમાનોની ટેકનોલોજી ઉપરાંત નાસિકના ઓઝર વિસ્તારમાં આવેલા એચએએલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, ભારતીય એરફોર્સના વિવિધ એરબેઝ અને આ પ્રતિબંધિત વિસ્તારની કેટલીક અત્યંત સંવેદનશીલ અને ગોપનીય માહિતી પાકિસ્તાનની જાસૂસી સંસ્થાને પહોંચાડતો હતો. જો કે આ અંગે વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતાં અધિકારીએ કહ્યું હતું કે, આ અંગે હાલ તપાસ ચાલુ છે, કેમ કે આ ષડયંત્રમાં એક જ વ્યક્તિ સંડોવાયેલો છે કે પછી તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે તે અંગેની તપાસ કરવી અત્યંત જરૂરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીમાંથી પણ એક વ્યક્તિને ચીનની ગુપ્તચર એજન્સી વતી જાસૂસી કરવાના આરોપસર એક ચીનની એક મહિલા અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.