(એજન્સી) લાહોર, તા.૩
પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે એક ટ્રેન દુર્ઘટનામાં ૧૯ શીખ શ્રદ્ધાળુના મોત થયા હતા. શીખ શ્રદ્ધાળુ એક બસમાં લાહોરથી કરાચી જઇ રહ્યા હતા. તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે અથડાઇ ગઇ હતી. આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન ન્યૂઝ અનુસાર ૧૫ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નિકળી રહી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે બધા શીખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પરત આવી રહ્યા હતા પાકિસ્તાનમાં ગત વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઇ હતી. તેમાં ૮૯ લોકોનાં મોત થયા હતા. ત્યારે ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો નવાઝ શરીફના સમયનો હતો. ત્યારે ઈમરાને રેલવે દુર્ઘટના બાદ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જોકે તેજગામ દુર્ઘટના બાદ રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો. તે સિવાય ૧ જુલાઇ ૨૦૧૯ના સાદિકાબાદમાં માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની ટક્કરમાં ૧૧ લોકોના મોત થયા હતા.