(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે ખેડૂતોના પાક-વીમાના પ્રશ્નની ચર્ચા દરમિયાન રાજ્યમાં સંખ્યાબંધ ખેડૂતો વીમાની રકમ ચૂકવવાની બાકી છે. ને બીજી તરફ વીમા કંપનીને લાભ કરાવવા કરોડો રૂપિયા ચૂકવાતા હોવાનો મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે તે પહેલાં જ કોંગી સભ્યો બેઠા-બેઠા કરેલી કોમેન્ટ મુદ્દે અધ્યક્ષે આ પ્રશ્ન જ કૂદાવી દઈ બીજો પ્રશ્ન હાથ પર લેતાં કોંગ્રેસના સભ્યો બરોબરના રોષે ભરાયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કરતાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય શીવાભાઈ ભૂરિયાના પાક-વીમા અંગેના પ્રશ્નની ચર્ચા દરમિયાન સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ તરફથી પ્રશ્નો પૂછવા સાથે ચણભણાટ શરૂ થઈ જવા પામ્યો હતો જેમાં માત્ર ૨ ખેડૂતોને જ પાક વીમાની ચુકવણી કરવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવી વીમા કંપનીઓ સાથે ભાજપના મળતીયાઓની સાંઠગાંઠના તથા વીમા કંપનીઓને ૫૮૬૩ કરોડનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપો કોંગ્રેસ તરફથી કરાયા હતા. આ ઉપરાંત વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પાક વીમાને લઇને સરકાર પર પ્રહાર કર્યા હતા.ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, પાક વીમાનો પ્રશ્ન બનાસકાંઠાનો હતો અને તેમાં સરકારે કબુલ્યુ કે બનાસકાંઠામાં પાક નિષ્ફળ ગયો છે. દરમિયાન ચર્ચા વખતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ બેઠા બેઠા કોમેન્ટ કરતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને અગાઉ એકવાર ચેતવણી આપ્યા બાદ પાક-વીમાનો આખો આ પ્રશ્ન જ કૂદાવી તે પછીનો બીજો પ્રશ્ન ચર્ચામાં લેતાં કોંગી સભ્યો નારાજ થયા હતા ને અધ્યક્ષને આવું ના કરવા કહ્યું પરંતુ અધ્યક્ષે અડગ રહેતા અંતે રોષે ભરાયેલા કોંગી સભ્યોએ ભારે સૂત્રોચ્ચારો કરી ગૃહનો ત્યાગ કર્યો હતો. કોંગી સભ્યો ‘‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી’’ જેવા સૂત્રોચ્ચારો કરતાં બહાર નીકળી ગયા હતા.

પ્રીમિયમ પેટે રૂા.૫૮૬૨ કરોડ લેનારી વીમા કંપનીએ ખેડૂતોને પાક વીમાના રૂા.૨૮૯૨ કરોડ જ ચૂકવ્યા

ગાંધીનગર, તા.૪
ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો કરીને ખેડૂતોના વિકાસ માટે કાર્ય કરતી હોવાના દાવા રાજ્યની ભાજપ સરકાર કરે છે, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોના હિતમાં પગલાં ભર્યા હોય તેવું લાગતું જ નથી. કેમ કે, છેલ્લા બે વર્ષમાં સરકારે વીમા પ્રીમિયમ પેટે ચૂકવેલી રકમની અડધી રકમ વીમા કંપનીએ ચૂકવી છે. એટલે દાવા મંજૂર કરવામાં કયાંક કચાશ રખાઈ છે કે, કેમ તેવો પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય છે. પાક વીમા મુદ્દે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં વિગતો બહાર આવી હતી. જેમાં તા.૩૧ જાન્યુઆરી, ર૦ર૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત સાત વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે રાજ્ય સરકારે રૂા.ર૯૩૧ કરોડ અને કેન્દ્ર સરકારે રૂા.ર૯૩૧ કરોડ મળીને કુલ રૂા.૫૮૬૨ કરોડ ચૂકવ્યા હતા. તેની સામે વીમા કંપનીઓએ પાક વીમા પેટે ખેડૂતોને દાવા પેટે માત્ર રૂા.૨૮૯૨ કરોડની રકમ જ ચૂકવી છે. એટલે સરકારે પાક વીમા પેટે ચૂકવેલા રૂા.૫૮૬૨ કરોડના પ્રીમિયમની સામે વીમા કંપનીએ માત્ર અડધી રકમ રૂા.૨૮૯૨ કરોડ દાવા પેટે ચૂકવ્યા છે. અત્રે નોંધનીય છે કે, પાક વીમા પ્રીમિયમ પેટે સરકારે ચૂકવેલી રકમના અડધી રકમ જ દાવા પેટે અપાઈ છે, ત્યારે આ યોજનામાં પાક વીમો પૂરતો આપવા માટે માર્ગદર્શિકા મુજબ વીમા કંપનીને કાર્યવાહી કરવાની સૂચના પણ સરકારે આપી છે.

રાજ્યના ૪૪ હજાર ખેડૂતોને પાક વીમો ચૂકવાયો જ નથી

ગાંધીનગર, તા.૪
ખેડૂતોની હામી હોવાની વાતો કરતી કહેવાતી ગતિશીલ સરકારના શાસનમાં ખેડૂતોને પાક વિમો ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે. સરકારી આંકડા જ બતાવે છે કે રાજ્યના ૪૪ હજાર ખેડૂતોને પાક વિમો ચૂકવવાનો બાકી છે. ત્યારે ખેડૂતોની પડખે ગુજરાત સરકાર હોવાની વાત કેટલા અંશે સાચી છે તે એક સવાલ છે. ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પાક વિમા બાકી અંગે પૂછાયેલા જુદા-જુદા પ્રશ્નોના જવાબમાં સરકારે કબૂલાત કરી છે કે રાજ્યના ૧ર જિલ્લામાં ખેડૂતોને પાક વિમો ચૂકવવાનો બાકી છે. જેમાં રાજકોટમાં ર૬૭૭૩ ખેડૂતોને પાક વિમો ચૂકવવાનો બાકી છે. તેવી જ રીતે ગીર-સોમનાથમાં પ૦૦પ, દેવભૂમિ દ્વારકામાં ૩૯૯૮, ભાવનગરમાં ૧૧૦૬, જામનગરમાં ૧૪૭, બનાસકાંઠામાં ૬૬૦, મહેસાણામાં ત્રણ, સુરેન્દ્રનગરમાં ૩૧૧, વડોદરામાં ૧૬૮, મોરબીમાં ૧૧૧૭ જ્યારે ડાંગમાં ૧ મળીને કુલ ૪૪,૧૦પ ખેડૂતોને પાક વિમો ચૂકવવાનો બાકી છે. ત્યારે સરકારે પાક વિમો વહેલી તકે ચૂકવવા વિમા કંપનીઓને જણાવ્યું છે. ત્યારે નોંધનીય બાબત છે કે સરકારને વિમા કંપનીને પાક વિમો ચૂકવવા કહેવું પડે તેવી નોબત આવે તે સરકાર માટે કેટલી સારી છે. બીજી બાજુ પાકને નુકસાન જતા જગતના તાત ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે. તેવામાં પાક વિમો પણ ચૂકવાતો નથી ત્યારે ખેડૂતોની દશા શું હશે ?