(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
ગુજરાતમાં ખેડૂતો પાસેથી પાક વીમાના પ્રિમિયમની વસૂલાત કરવા સામે તેઓને પાક-વીમો ચૂકવવામાં આવતો ન હોવાની ફરિયાદોનો પ્રશ્ન આજે વિપક્ષ કોંગ્રેસે વિધાનસભામાં ઉઠાવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ર૦૧૬-૧૭ના વર્ષમાં સમગ્ર રાજ્યમાંથી માત્ર પાંચ જિલ્લાના નોટીફાઈડ તાલુકાઓમાં જ પાક-વીમાના દાવાઓ ચૂકવાયા છે અને હજુ સુધી અન્યોને દાવા ચૂકવવામાં આવ્યા ન હોવાની કબૂલાત ખુદ સરકાર દ્વારા ગૃહમાં કરવામાં આવી છે. આ પ્રશ્ન અંગેની ચર્ચામાં વિપક્ષ કોંગ્રેસના નેતાએ સરકાર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઊંચા પાક વીમા પ્રિમિયમની વસૂલાત સામે ખેડૂતોના દાવા માત્ર ર ટકાથી ૯ ટકા જ ચૂકવાય છે સરકારી કંપનીઓને બદલે ખાનગી કંપનીઓને પ્રિમિયમ વસૂલાત સોંપાતા કૌભાંડ થયું અને આ કંપનીઓ પાક-વીમાના રૂા.રપ હજાર કરોડનું પ્રિમિયમ ખાઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વિધાનસભા ગૃહમાં આજે સવારે પ્રશ્નોત્તર કાળ દરમ્યાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પ્રતાપ દૂધાતના પાક વીમા ચૂકવણી અંગેના પ્રશ્નની ચર્ચા વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપબાજી થતાં ભારે હોબાળો થવા પામ્યો હતો. કોંગ્રેસના જ અન્ય સભ્યો કાંતિ પરમાર અને કુંવરજી બાવળીયાએ પણ આ અંગેના પ્રશ્નો પૂછાતા તેઓને લેખિત જવાબમાં સરકારના કૃષિમંત્રીએ પાંચ જિલ્લાઓમાં કપાસ માટે નોટિફાઈડ તાલુકાઓમાં પાક વીમાના દાવાઓ મળવાપાત્ર થતાં ન હોવાનું જણાવી અન્ય માત્ર પાંંચ જિલ્લામાં જ ચૂકવણી થયાનું જણાવ્યું હતું તે બાદ રાજ્યના અન્ય જિલ્લાઓના કપાસ માટે વીમાના દાવાઓની ગણતરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું છે જે દર્શાવે છે કે ર૦૧૬-૧૭નો પાક-વીમો હજુ સુધી રાજ્યના મોટાભાગના ખેડૂતોને ચૂકવાયો નથી. ત્યારે આ પ્રશ્ને આજે ગૃહમાં વિપક્ષ કોંગ્રેસે સરકારને બરોબરની ઘેરી હતી. જેના કારણે રાજ્યના કૃષિ રાજ્યમંત્રી જયદૂથ પરમાર તથા કૃષિમંત્રી આર.સી.ફળદુએ એમ બે-બે મંત્રીઓએ જવાબો આપવા બાદ પણ મામલો થાળે ના પડતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મધ્યસ્થી કરવી પડી હતી. તેમણે આ સમયે પોતાની વાત હંમેશા સ્વીકારી જ લેવાની તેવા આગ્રહ રાખતા કોંગી ધારાસભ્યને પોતાની વાત ચેક કરવી હોય તો ચેક કરી લેવાનું પણ જણાવ્યું હતું. ખાનગી કંપનીઓને કોંગ્રેસની જ સરકારે જ જવાબદારી સોંપી હતી. વિપક્ષના નેતા ખોટા આંકડા આપતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે ગૃહમાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જતાં દાવાઓની ચૂકવણી કરવામાં આવી નથી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓના કૃષિ પાક વીમા યોજનાની અંદર ઊંચા ટેન્ડરો સ્વીકાર્યા, મગફળી, કપાસ મુખ્ય અને ગૌણ પાકમાં ઉંચા ભાવ મંજૂર કર્યા ખેડૂતો પાસે ર% પ્રિમિયમ અને બાકીના રાજ્ય અને કેન્દ્ર સરકારની તિજોરીમાંથી ચૂકવવા માટે સરકાર જવાબદાર બની એ મુજબ ગુજરાતમાં ઓછામાં ઓછા રૂા.રપ હજાર કરોડ કરતા વધુની રકમનું પ્રિમિયમ ખાનગી કંંપનીઓ જમી ગઈ.
ધાનાણીએ જાણવા માંગ્યું હતું કે, વીમા કંપનીઓએ જે ટેન્ડર ભર્યું તેમાં કપાસ માટે કેટલું પ્રિમિયમ વસૂલવા માટે થઈને ટેન્ડરમાં મગફળીનો ભાવ કેટલો ક્વોટ કર્યો હતો અને કપાસનો ભાવ કેટલો ક્વોટ કર્યો હતો. સરકારે દરેક જિલ્લા માટે પ્રિમિયમના દર જુદા જુદા નક્કી કર્યા છે. અગાઉ ભારત સરકારની કંપની ખેડૂતો પાસેથી પ્રિમિયમ વસૂલતી હતી. પરંતુ હવે ખાનગી કંપનીઓને સરકાર પ્રવેશ આપ્યો છે. ખેડૂતોના હિત માટે સરકાર સરેરાશ ર% જ પ્રિમિયમ વસૂલે બાકીનો ડીફરન્સ રાજ્ય અને કેન્દ્ર સરકાર ભોગવે, ખેડૂતોના હિત માટે સરકાર ત્વરીત નિર્ણય લે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.