(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૭
સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કામલપુરમાં હોવા છતાં જિલ્લાના અમુક તાલુકાઓમાં વર્ષોથી પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પાટડી તાલુકાના કામલપુર ગામમાં પાણી માટે મહિલાઓ અને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે.
કામલપુર ગામની અંદાજે ૩૦૦૦ હજાર જેટલી વસ્તી છે ત્યારે આ ગામમાં છેલ્લા પચ્ચીસથી ત્રીસ વર્ષથી લોકોને પાણી મળી રહ્યું નથી. ગ્રામપંચાયત દ્વારા ઘેર-ઘેર નળ કનેક્શન તેમજ પાણીનો સંમ્પ જેવી સુવિધાઓ ઉપલ્બધ કરવામાં આવી છે પરંતુ ગ્રામજનોને કયારેય નળમાંથી પાણી મળ્યું જ નથી. છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ અને યુવતીઓ ઘરનું તમામ કામ છોડીને ગામથી દૂર આવેલ વોકળા નીચે નદીના તટમાં વિરડા ગાળી ખોબે-ખોબે પાણીના બેડા ભરી રહ્યા છે. એક તરફ જિલ્લામાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યો છે ત્યારે ધોમધગતા તાપમાં મહિલાઓ માથે બેડા લઈ વિરડામાંથી પાણી ભરી રહેલ છે. માત્ર ગ્રામજનો જ નહિ પરંતુ અબોલ પશુઓને પણ પાણી વગર જીવવું મુશ્કેલ બની ગયું છે. ચૂંટણી વખતે રાજકીય નેતાઓ આ વિસ્તારમાં મુલાકાત લઈ પાણી આપવાની વાતો કરે છે પરંતુ ત્યારબાદ લોકોની સમસ્યા સાંભળવાનો તેમને સમય મળતો નથી. પાણીની વર્ષો જૂની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત બની ગયા છે. અધૂરામાં પૂરું વિરડા દ્વારા મળતું પાણી પણ અશુદ્ધ હોઈ રોગચાળો ફેલાવવાની શક્યતા સેવાઈ રહી છે. આ અંગે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ જ ઉકેલ નહિ આવેતો ઉગ્ર આદોલન કરવાની ચિમકી આપી રોષ દાખવ્યો હતો.
પાટડી તાલુકાના કામલપુર ગામ છેવાડાનો અને ઓછી વસ્તી ધરાવતું ગામ છે. વર્ષો જૂની પાણીની સમસ્યાના નિરાકરણ માટે ગામના સરપંચ સહિત આગેવાનોએ અનેક વખત મામલતદાર, ડી.ડી.ઓ., પાણી પુરવઠા, વાક્યો, નર્મદા વિભાગ સહિત જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરી હતી તેમ છતાં પાણીની સમસ્યા યથાવત છે અને કોઈ જ ઉકેલ આવ્યો નથી.