અમદાવાદ, તા.૨૪
દેશ અને દુનિયામાં ચંદ્ર અને મંગળની વાતો થઈ રહી છે. દેશે ચંદ્ર તરફ ઉડાન ભરી છે. જ્યારે હજુ પણ દેશના ગામડાઓની સ્થિતિ જેમની તેમ જ છે. હજી પણ ભેદભાવની ભાવના રાખવામાં આવે છે. હાલ ગુજરાત સહિત દેશભરમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દરબારોએ દલિતોને ગામના મેદાન પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મામલો પોલીસ પાસે પહોંચવા છતાં હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
૭ જુલાઈ ૨૦૧૯ના રોજ પાટડીના તાલુકાના કઠાડા ગામે દલિત યુવકો ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન કેટલાક દરબારોએ તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે એક દલિત શખ્સે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મુખ્ય આરોપી રાજુ વણોલે ક્રિકેટ રમતા દલિત યુવકોને ગામના મેદાન પર ક્રિકેટ ન રમવા માટેની ધમકીઓ આપી હતી. પરંતુ સ્થાનિક પોલીસે ધીમી કામગીરીથી કંટાળીને સમગ્ર મામલે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાને રજૂઆત કરી છે.
ધમકી અને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યાની ઘટના અંગે ૭ જુલાઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ હજૂ સુધી આરોપીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. દલિત એક્ટિવિસ્ટ કિરિટ રાઠોડે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખ્યો છે. તેમને જણાવ્યું કે, જ્યારે પણ તેઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે પીએસઆઈ સવારે ૧૦થી બપોરે ૧૨ વાગ્યા સુધી જ મળી શકે છે. નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં દલિતો પર અત્યાચાર થતા રહ્યાં છે.