(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૮
ઝાલાવાડ પંથકના પાટડી તાલુકાના ગવાણા ગામમાં રહેતા દિવ્યાંગ દંપતિ એવા શિલ્પીબેન ગજ્જર અને જયદિપભાઈ ગજ્જર બન્ને મૂક – બધીર હોવા છતાં પણ દ્રઢ મનોબળ થકી તેમના જીવન રથને ચલાવી રહયા હતા. તેવા સમયે શિલ્પીબેન કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બને છે. બન્યું એવું કે શિલ્પાબેન સગર્ભા હોવાથી મેડિકલ ટ્રીટમેન્ટ માટે પતિ જયદીપભાઈ સાથે લોકડાઉન પહેલા તેમના પિયર અમદાવાદ ગયા હતા. ટ્રીટમેન્ટ પૂર્ણ થયા બાદ તેમના ગામ ગવાણા આવતા તેઓ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ હોમ ક્વોરન્ટાઇન થયા. એ દરમિયાન શિલ્પાબેનનો ટેસ્ટ કરતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.
આ વિશે માહિતી આપતા સુરેન્દ્રનગરના સિવિલ સર્જન ડો. વસેટીયન જણાવે છે કે, “શિલ્પાબેનની સારવાર અમારા માટે પડકાર જનક હતી. કારણ કે એ માત્ર સાંકેતિક ભાષા જ સમજતા હતા. આ પડકારને અમારા ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફે ઝીલી લીધો. શિલ્પાબેનની સારવાર દરમિયાન દવા, ભોજન સહિતની બાબતો માટે તેેમની સાથે સાઈન લેંગ્વેજ અને કલર લેંગ્વેજ દ્વારા કોમ્યુનિકેશન કર્યું. તેમની સારવારમાં ડોકટર્સ દ્વારા તેમને સમયાંતરે આયુર્વેદ દવા અને ઉકાળા પણ આપવામાં આવતા સાથો-સાથ હોસ્પિટલમાં રહેલા કાઉન્સિલરો દ્વારા તેમને માનસિક સધિયારો આપી તેમનું મનોબળ પણ મજબૂત કરવામાં આવતું હતુ.”
સતત દસ દિવસની સઘન સારવાર બાદ શિલ્પાબેનને તાવ, શરદી, ખાંસી જેવા કોઈ લક્ષણો ન જણાતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના મૂકત બની પતિ જયદીપભાઈ સાથે હોસ્પિટલમાંથી વિદાય લેતી વેળાએ શિલ્પાબેને સજળ આંખે પોતાની સરળ સાંકેતિક ભાષામાં કોરોનાથી ડરવા કે ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી અને સલામતી રાખવાનું જણાવી લોકોને કોરોનાથી બચવા માટે હાથને સેનેટાઇઝ કરવા સાફ કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો હતો.
જીવનના સંઘર્ષોનો સામનો કરતાં કરતાં મૂક-બધિર શિલ્પાબહેને મક્કમ મનોબળ થકી કોરોના મૂક્ત બની સમાજ સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.