(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨૦
પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે આજે પાટણના કોરોનાગ્રસ્ત યુવાનનું મોત નિપજતા જિલ્લામાં મૃત્યુઆંક ચાર થયો છે, જ્યારે છેલ્લા એક સપ્તાહથી એકી સંખ્યામાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસોમાં આજે એકાએક ઉછાળો આવ્યો હતો અને એકી સાથે ૧૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું, જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૬૬ પહોંચતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આજે નોંધાયેલા ૧૧ કેસમાં આઠ મહિલા અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. જિલ્લામાં એકમાત્ર સાંતલપુર તાલુકો જ સલામત રહ્યો છે. બાકીના તમામ તાલુકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પાટણ શહેરના મીરા પાર્ક સોસાયટીમાં રહેતો અને કોરોના પોઝિટિવની સારવાર લઈ રહેલા ૩૧ વર્ષના યુવાનનું આજે સવારે મોત નિપજ્યું હતું, જ્યારે આજે શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. જેમ પાટણ શહેરમાં ૩, જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ર, સરસ્વતી તાલુકાના કાતરાસરા ગામમાં ૧, ધારપુરમાં ૩, શંખેશ્વરમાં ૧ અને શંખેશ્વર તાલુકાના પાડલામાં ૧ મળી એક જ દિવસમાં ૧૧ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પાટણ શહેરના ટેલિફોનિક એક્સચેન્જ રોડ ઉપર આવેલ સારથી એસ્ટેટના ૩પ નંબરના મકાનમાં રહેતા અને અમદાવાદ બોપલ ખાતે સ્થાયી થયેલ યુવાન ગત તા.૧૧મી એપ્રિલના રોજ પાટણ આવ્યો હતો અને ૧૩મી એપ્રિલના રોજ બોપલ પરત ગયો હતો અને ગતરોજ તેના નિવાસસ્થાને આવે તે પહેલાં ધારપુર હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ આરોગ્યની ટીમના કર્મચારીઓએ તેના નિવાસસ્થાને પહોંચી જઈ આસપાસના મકાનોના રહીશોનો સર્વે હાથ ધર્યો હતો. તકેદારીના ભાગરૂપે સારથી એસ્ટેટ સોસાયટીને કન્ટેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારની ત્રણ જેટલી સોસાયટીઓને બફરઝોન જાહેર કરવામાં આવી છે. શહેરના મીરા પાર્કમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પાટણના કોરોનાગ્રસ્ત યુવાનનું મોત, નવા ૧૧ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું

Recent Comments