પાટણ, તા.ર૧
પાટણ શહેરના નવા ગંજ બજારમાં જિલ્લા તોલપામ વિભાગની ટીમે તેલના એક વેપારીને ત્યાં રેડ કરી મેન્યુફેક્ચરિંગના ભંગ બદલ ૩૮ તેલના ડબ્બા સીઝ કરતા તેલના અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પાટણ શહેરના નવા ગંજ બજારમાં આવેલ નાના પ્લોટ વિસ્તારમાં વિરકૃપા ઓઈલ ડેપોમાં સોયાબીન ખાદ્યતેલના ડબ્બાઓ અપ્રમાણસર અને અનિયમિત વજનથી નિયમોનો ભંગ કરી વેચાતા હોવાની ફરિયાદ જિલ્લા તોલમાપ વિભાગને મળી હતી. જેને પગલે તોલમાપ અધિકારી સહિતની ટીમે આ દુકાનમાં રેડ કરી ખાદ્યતેલના ડબ્બાઓની ચકાસણી કરતા ડીસાના જાગનાથ ટ્રેડિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સોયાબીન ખાદ્યતેલના ડબ્બા ઉપર લીગલ મેટ્રોલોજી એક્ટ-ર૦૦૯ અને ર૦૧૧ મુજબ ઉત્પાદકનું નામ, સરનામું, ચીજવસ્તુનું નામ, મેન્યુફેક્ચરિંગ વર્ષ મહિનો અને તારીખ, નેટ વજન, કસ્ટમર કેર નંબર, ઈમેલ એડ્રેસ સહિતની જોગવાઈઓ સહિતની જોગવાઈઓનું નિદર્શન ન હોવાને કારણે તોલમાપ અધિકારીએ સોયાબીન તેલના ૩૮ ડબ્બા સીઝ કરતા તેલના અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.