પાટણ, તા.૧
પાટણ શહેરમાં ત્રણ દિવસમાં ૧૩ ઈંચથી વધુ વરસાદ પડતા સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું અને નીચાણવાળા વિસ્તારો તથા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, છતાં પાટણ નગરપાલિકાના નિષ્ક્રિય તંત્ર દ્વારા પાણી ઉલેચવા કે તેના નિકાલ માટે કોઈ કામગીરી નહીં કરાતાં તેમજ શહેરીજનોને પીડતા પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપવામાં નહી આવતા આજે ધારાસભ્ય ડો.કિરીટ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરીમાં પ્રતિક ભૂખ હડતાળ ઉપર બેઠા હતા અને ત્યારબાદ વિવિધ પ્રશ્નો ઉકેલવાની માગણી સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર, મધુભાઈ પટેલ, શંકરજી ઠાકોર, ભરતભાઈ ભાટિયા, ઉસ્માનભાઈ શેખ, ભાવિક રામી, ભુરાભાઈ સૈયદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા.