પાટણ, તા.૨૪
પાટણ શહેરના મીરા દરવાજાથી પદ્મનાભ તરફ જવાના માર્ગ પર નવીન બનેલા રેડક્રોસ ભવન આગળ છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભ ગટરલાઈનો ચોકઅપ થતાં ગંદું પાણી માર્ગો પર રેલાઈ રહ્યું છે. આ વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકો તથા આસપાસમાં રહેતા રહીશો અસહ્ય દુર્ગંધથી પરેશાન બન્યા છે. આ કૂંડીઓ સાફ કરવા માટે રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલાં નહીં લેવાતા અહીં આસપાસના રહીશો અને વાહનચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. સત્વરે આ કૂંડીઓની સફાઈ જરૂરી બની છે. તો બીજી તરફ નવાગંજ બજાર તરફના પ્રથમ રેલવે ગરનાળા આસપાસ છેલ્લા બે દિવસથી પાણીના ખાબોચિયા માર્ગો પર ભરાઈ રહેતા અહીંથી પસાર થતાં વાહનચાલકો-દુકાનદારો ત્રસ્ત બન્યા છે. અહીં અવાર-નવાર પાણી માર્ગો ઉપર રેલાવાની સમસ્યા પેદા થતી હોય છે.