(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૭
પાટણમાં ભારે વરસાદ બાદ ઠેરઠેર માર્ગોનું ધોવાણ થયું છે અને ખાડાઓ પડ્યા છે. મુખ્યમાર્ગો ઉપરાંત મહોલ્લા-પોળોના માર્ગોની હાલત પણ બદતર બની છે. જેને લઈ વાહનચાલકોને અનેક યાતનાઓ ભોગવવી પડે છે. શહેરીજનોને સ્પર્શતા આ મુદ્દાને વાચા આપવા આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો, જ્યાં એકઠા થયેલા કાર્યકરોએ નગરપાલિકાના સત્તાધીશો વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા અને શહેરના દરેક વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડાઓ પૂરવા માગણી કરી હતી. આ સમયે પોલીસ બળપ્રયોગ કરી ધરણા ઉપર બેઠેલા કાર્યકરો પૈકી વિપક્ષના નેતા ભરત ભાટિયા સહિત છ જેટલા કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી.